કચ્છમાં વાવાઝોડાંની નહિવત્ અસરના કારણે ખેડૂતો રહ્યા સહાયથી વંચિત

ભુજ, તા. 9 : ગત 17મી મેના સૌરાષ્ટ્રના કાંઠે ત્રાટકેલા તૌકતે વાવાઝોડાંની કચ્છમાં નહિવત્ અસરના કારણે બાગાયત પાકોના નુકસાન છતાં ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હોવાનો વસવસો વ્યકત કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ સહિતના  વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડયું હતું. જો કે, કચ્છમાં પણ તેની અસરરૂપે માંડવી, મુંદરા, અંજાર સહિતના તાલુકાના કાંઠાળ ગામોમાં બાગાયત પાકોને નુકસાન થયું હતું. જેના વળતર માટે ખેડૂતોએ માંગ પણ કરી હતી, પરંતુ રાજ્ય  સરકારે આપત્તિ વ્યવસ્થાપન પાસેથી ક્યાં કેટલો પવન ફૂંકાયો તેની માહિતીના આધારે સહાય પેકેજ જાહેર કરતાં કચ્છમાં કેરી, કેળા, પપૈયા, ખારેક, દાડમ, જાંબુ સહિતના પાકોને 10થી 25 ટકા જેટલું નુકસાન થયું હોવા છતાં કોઇ જ સહાય અપાઇ નથી તેવો ગણગણાટ કિસાનોમાંથી સાંભળવા મળી રહ્યો છે.વાવાઝોડાં દરમ્યાન માંડવી તાલુકાના ગઢશીશા પંથકના મઉં, દેવપર (ગઢ), દનણા, વડવાકાંયા, દુજાપર, રાજપર, ભેરૈયા, કોટડા (રોહા), આસંબિયા, કોડાય, બિદડા, તલવાણા, પુનડી, અંજાર તાલુકાના ખેડોઇ, પાંતિયા, ખંભરા, મુંદરા તાલુકામાં નાની ખાખર, દેશલપર, સમાઘોઘા, મંગરા સહિતના વિસ્તારોમાં બાગાયતી પાકોને 10થી 25 ટકા નુકસાની થઇ હોવાથી ખેડૂતોએ વળતરની માંગ પણ કરી હતી.આ અંગે બાગાયત અધિકારી શ્રી સોજિત્રાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં વાવાઝોડાંની નહિવત્ અસરના કારણે સરકારે કોઇ સહાય જાહેર કરી નથી તેમ કોઇ ખેડૂતોએ સહાય અંગે અરજી પણ નથી કરી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer