કચ્છના ધાર્મિક સ્થળોના દ્વાર કાલથી ભક્તો માટે ફરી ખૂલશે

ભુજ, તા. 9 : કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડાના પગલે રાજ્યમાં લાગુ રાત્રિ કર્ફ્યૂ સહિતના નિર્ણયો હળવા કરાઇ રહ્યા છે ત્યારે કચ્છના તમામ ધાર્મિક સ્થળો શુક્રવાર 11 જૂનથી પુન: કાર્યરત થશે તો અનલોકની પ્રક્રિયાના એક ભાગરૂપ હોટલ-રેસ્ટોરન્ટને પણ સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રાખવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી આવશ્યક સિવાયના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખી શકાતાં તેની સમયઅવધિમાં એક કલાકનો વધારો કરવામાં આવતાં વેપારી વર્ગને મોટી રાહત મળી છે. કચ્છ કુળદેવી આઇ આશાપુરાના સ્થાનક માતાના મઢમાં આવેલ મંદિરના દ્વાર 11 જૂનથી માઇ ભક્તો માટે ખોલવામાં આવશે. જો કે, અતિથિગૃહ અને ભોજનશાળા બંધ?રહેશે તેવું જાગીર ટ્રસ્ટ દ્વારા પાઠવાયેલી યાદીમાં જણાવાયું છે. તો ભુજમાં આવેલું આશાપુરા અને સ્વામિનારાયણ સહિતના અન્ય મહત્ત્વના તમામ ધાર્મિક સ્થળો પણ ભક્તો માટે ખોલવામાં આવશે. ધાર્મિક સ્થળોમાં કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વરસે લોકડાઉન બાદ આ વર્ષ કોરોનાનું સંક્રમણ વકરતાં લગભગ એકાદ માસ કરતાં વધુ સમયથી ધાર્મિક સ્થળોના દ્વાર ભક્તો માટે બંધ રાખી માત્ર મંદિરના વહીવટકર્તાઓને પૂજા-પાઠ?કરવાની છૂટ આપવામાં આવી હતી. માતાના મઢનું મંદિર તો સતત બીજા વરસે ચૈત્રી નોરતામાં બંધ રહ્યું હતું. હોટલ-રેસ્ટોરન્ટ 50 ટકાની ક્ષમતા સાથે સાંજે સાત સુધી ખુલ્લા રાખી શકાશે. ટેક અવે રાત્રે 9 અને હોમ ડિલિવરીની રાત્રિના બાર વાગ્યા સુધીની છૂટ અપાઈ છે. લાયબ્રેરી અને બાગ-બગીચા પણ સાંજે સાત સુધી ખુલ્લા રાખી શકાશે. જો કે, ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળાને યથાવત્ રાખવામાં આવ્યો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer