ડીપીટીએ વીજ વિતરણ શરૂ કર્યા પછી હવે પકડ ખખડાવવા માંડતાં ફફડાટ !

ગાંધીધામ, તા. 9 : મહાબંદર કંડલાનું સંચાલન કરતું દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ વીજ ઉત્પાદન અને વિતરણનું નવું કામ પણ કરી રહ્યું છે. વીજ વિતરણની કામગીરી શરૂ કર્યા પછી હવે તેણે કડક ઉઘરાણી પણ આરંભી છે. એક માજી અધિકારીનું વીજ જોડાણ કાપી નાખીને અન્ય કેટલાક વગદારોને નોટિસ ફટકારી પકડ પણ ખખડાવી છે.વીજ ઉત્પાદન અને વિતરણ ખૂબ જ જૂનું લાયસન્સ ધરાવતા ડીપીટીએ પવન ઊર્જાના માધ્યમથી મોટેપાયે વીજ ઉત્પાદન શરૂ કર્યું છે. તે મહાબંદર તથા કામદાર વસાહતો જેવી કે ગોપાલપુરી વગેરે સ્થળે તેમજ કંડલા આસપાસના ખાનગી ઔદ્યોગિક એકમોને પણ વીજળી પૂરી પાડી રહ્યું છે.છેલ્લા લાંબા સમયથી ડીપીટી વસાહતમાં ગેરકાયદે વસવાટ કરતા ફરજમુક્ત માજી જનસંપર્ક અધિકારીનું વીજ જોડાણ કાપી નાખીને હવે પ્રશાસને ઉઘરાણી પણ શરૂ કરી દીધી છે. ગોપાલપુરી વસાહતમાં ડીપીટી ઉપરાંત પોલીસ, કસ્ટમ વગેરેના અધિકારી કર્મચારીઓ પણ વસવાટ કરે છે. આ પૈકીના કેટલાકના વીજ લેણાં બાકી હોવાથી તેમને પણ ડીપીટીએ માગણા નોટિસ ફટકારીને પકડ ખખડાવતાં ગભરાટ ફેલાયો છે.એકાદ-બે વગદાર અધિકારીઓ નોટિસ મળતાં જ ચૂકવણા કરતા દોડતા જણાયા હતા. મસમોટા વેતન છતાં વીજળી સેવાના બિલ ભરવામાં આનાકાની કરતા આવા કર્મચારી - અધિકારીઓને ડીપીટીએ નોટિસ પાઠવીને ફરજનું ભાન કરાવ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer