લાકડિયા પાસે ટ્રક-ટ્રેઈલરે હડફેટે લેતાં વૃદ્ધનું ગંભીર ઈજાથી મૃત્યુ

ગાંધીધામ, તા. 9 : ભચાઉ તાલુકાના લાકડિયા નજીક ટ્રક-ટ્રેઈલરે હડફેટમાં લેતાં વેરાભાઈ મલુભાઈ સોલંકી (ઉ.વ. 60)નું મોત થયું હતું. બીજી બાજુ નખત્રાણા તાલુકાના ઘડાણી રવાપર વચ્ચે બોલેરોની હડફેટે ચડતાં બાઈકચાલક સિકંદર સુલેમાન નોતિયાર નામના યુવાનનું મોત થયું હતું.લાકડિયા નજીક સી.એચ.સી. હોસ્પિટલ વાયા રેલવે ફાટકથી આગળ સામખિયાળી-રાધનપુર ત્રણ રસ્તા ધોરીમાર્ગ ઉપર આજે સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. વેરાભાઈ સોલંકી ગામ બાજુથી આવતા હતા ત્યારે તેમની બાઈક નંબર જીજે 12 સીઆર 3543માં પંક્ચર થયું હતું. જેથી આ વૃદ્ધ પોતાના વાહનને દોરીને હાઈવે પરની પંક્ચરની દુકાને લઈ જઈ રહ્યા હતા. તેવામાં રાધનપુર તરફથી રોંગ સાઈડમાં ધસમસતા અને માતેલા સાંઢની માફક આવતા ટ્રક-ટ્રેઈલર નંબર આરજે 09 જીસી 6102એ આ વૃદ્ધને બાઈક સાથે હડફેટમાં લીધા હતા. આ વૃદ્ધને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ટ્રક મૂકીને નાસી જનાર ચાલક વિરુદ્ધ કરસન મલુભાઈ સોલંકીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ ઘડાણી-રવાપર વચ્ચે ગઈકાલે બપોરે અકસ્માત સર્જાયો હતો. સિકંદર નોતિયાર નામનો યુવાન બાઈક નંબર જીજે 12 બીએસ 3636 લઈને ઘડાણીથી રવાપર જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી બોલેરો કેમ્પર નંબર જીજે 36 ટી 4476એ આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ બાઈકચાલકને પ્રથમ રવાપર, પછી નખત્રાણા અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન મોડી રાત્રે આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. બોલેરોચાલક વિરુદ્ધ ઈબ્રાહિમ હબીબ નોતિયારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer