સૂરજપરમાં દરોડો પાડીને માન્યતા વગરના બે બોગસ તબીબને ઝડપ્યા

ભુજ, તા. 9 : કોરોના મહામારી થકી સર્જાયેલા કપરા કાળમાં બોગસ તબીબો સામે હાથ ધરાઇ રહેલી ઝુંબેશ અવિરત રહેવા સાથે તાલુકાના લેવા પટેલ ચોવીસીના સૂરજપર ગામેથી બે બોગસ તબીબ પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી. આ બન્ને જણ માન્યતા વગર એલોપેથીની દવા સારવાર કરતા હોવાનું બહાર આવ્યું છે.સ્થાનિક માનકૂવા પોલીસ મથક દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી અંતર્ગત સૂરજપર ગામે કાર્યરત નારાણપર ગામના મનીષ કૌશિક ભટ્ટ અને સૂરજપરના ચેતન જનાર્દન ત્રિપાઠીની ધરપકડ કરાઇ હતી. બાતમીના આધારે આ કાર્યવાહી કરાયા બાદ બન્ને આરોપી સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. પોલીસ સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે બન્ને તહોમતદાર પાસે માન્યતા ન હોવા છતાં તેઓ એલોપેથી દવાનું કામ કરતા હતા અને દર્દીઓને ઇન્જેકશન આપવા સહિતની કાર્યવાહી પણ તેમના દ્વારા કરાતી હતી.બન્ને પાસેથી રૂા. 20484નો માલસામાન કબ્જે કરાયો હતો. આરોગ્ય વિભાગના તબીબી અધિકારી ડો. ખેતાજી સુરાજી સોઢા દ્વારા ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવાયો હતો. તબીબી અધિકારીને સાથે રાખીને માનકૂવાના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.બારોટ સાથે સ્ટાફના હરીશચન્દ્રાસિંહ બી. જાડેજા વગેરે જોડાયા હતા.   

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer