બંધ પડેલા પોલીસ લોકદરબાર કાર્યક્રમો પુન:શરૂ કરવા માંગ

ગાંધીધામ, તા. 9 : કોરોના મહામારીના કારણે   બંધ પડેલા પોલીસ લોક દરબાર/સંવાદ સેતુ  કાર્યક્રમને પુન:  શરૂ કરવા  ગાંધીધામના વિપક્ષી  નગરસેવકે રજૂઆત કરી હતી.વોર્ડ નં.12 ના નગરસેવક અને ધારાશાત્રી  સમીષભાઈ જોષીએ  ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લેખિત રજૂઆત કરતા એક પત્રમાં જણાવ્યુ હતુ કે   કોરોના મહામારીના કારણે આઈ.જી, ડી.એસ.પી  તથા ડી.વાય.એસ.પી કક્ષાના  અધિકારીના વડપણ તળે  યોજાતા લોક દરબાર અને સંવાદ સેતુ  કાર્યક્રમ પુન: યોજાવા જોઈએ. જેમાં પોલીસ વહીવટ અંગે  પ્રજાકીય  બાબતોની ખુલ્લા દિલે પ્રશ્નોતરી કરી શકાય. સક્ષમ અધિકારીઓ તેનો જવાબ આપે. સરકાર દ્વારા  સરકારી કચેરીઓ પૂર્ણ ક્ષમતાથી  શરૂ  કરવામાં  આવી છે. ત્યારે  સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં નવનિયુકત   પ્રજાકીય પ્રતિનિધિઓ પોતાના વિસ્તારની સમસ્યા અને પોલીસ પ્રશાસન અંગે  વિચાર-વિમર્શ કરી શકે, તેમજ સામાજીક આગેવાનો અને પ્રજાકીય પ્રતિનિધીઓ સાથેના આવા કાર્યક્રમથી પોલીસ અને પ્રજા વચ્ચે મજબૂત સંવાદ સેતુ બંધાય તો સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે.કોરોના વૈશ્વિક મહામારીને કારણે પોલીસે અધિકારીઓ, કર્મચારીઓ અંગેના ગેરશિસ્ત, ગેરવર્તન, ગેરવહીવટ કે અન્ય કોઈ ફરિયાદઅંગે કોઈ રજૂઆત કે સુનાવણીનો અવકાશ પ્રજાકીય પ્રતિનિધિઓ પાસેથી છીનવાઈ જાય છે વગેરે કારણો રજૂ કરી  આ કાર્યક્રમ  ફરી શરૂ કરવા તેમણે માંગ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer