યુવાનોને રોજગાર આપવાના બદલે ડીપીટી પ્રશાસન વૃદ્ધોને કોન્ટ્રેક્ટથી ભરતી કરે છે !

ગાંધીધામ, તા. 9 : એકતરફ સરકારના આદેશને લઇને ભરતી બંધ છે તેવું કહેતાં દીનદયાળ બંદર પ્રશાસને વિવિધ ખાલી પદો ઉપર પાછલા બારણે કોન્ટ્રેક્ટ ઉપર વૃદ્ધોની ભરતી કરવા માંડતાં તેનો કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયન (એચ.એમ.એસ.) દ્વારા સખત વિરોધ નોંધાવાયો છે.સંગઠનના પ્રમુખ એલ. સત્યનારાયણે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ડીપીટી દ્વારા યેનકેન પ્રકારે ત્રણથી પાંચ વર્ષ માટે કોન્ટ્રેક્ટ પદ્ધતિથી પાછલા બારણે તમામ નીતિ-નિયમો નેવે મૂકીને ભરતી શરૂ કરવામાં આવી છે.સરકારની માર્ગદર્શિકા મુજબ ખાલી જગ્યાઓ ઉપર કોઇ હિસાબે ભરતી કરવાની નથી. બીજીબાજુ પાછલા બારણે 65 વર્ષથી વધુની ઉંમરના છ ઇલેકટ્રીક અને મિકેનિકલ એન્જિનીયરોને ટગ તથા ડ્રેજર માટે ભરતી કરવા મરિન વિભાગ ડેપ્યુટી કન્ઝર્વેટર દ્વારા જાહેરાત બહાર પડાઇ છે. તેનો ઉલ્લેખ કરીને સંગઠને જણાવ્યું છે કે ભરતીની વયમર્યાદાના નિયમ પ્રમાણે 30 વર્ષ સુધીના લોકોને ભરતી કરી શકાય. અહીં 65 વર્ષ કેવી રીતે ? તે મોટો પ્રશ્ન છે.એકતરફ કેટલીક નિયમિત ખાલી પડેલી જગ્યાની ભરતીનો નનૈયો કરાય છે તો બીજીબાજુ કોન્ટ્રેક્ટ દ્વારા 3થી 5 વર્ષ માટે ભરતી કરીને તેમને પાકા કરવા પ્રયાસ થતો હોવાનો આક્ષેપ સંગઠને કર્યો છે. દીનદયાળ પોર્ટમાં વર્ષોથી કાર્યરત કાચા કામદારોને પાકા કરાતા નથી. એવી જ રીતે મૃત કામદારોના વારસદારોને નિયમ છતાં ભરતી કરાતા નથી. આ સંજોગોમાં જો કોન્ટ્રેક્ટ પ્રથા બંધ કરવામાં આવે અને કાચા કામદારોને પાકા કરવા, વારસદારોને ભરતી કરવામાં આવે તેવી માગણી યુનિયને કરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer