ખીમજી રામદાસ પરિવારે મોકલેલા ઓક્સિજનના 400 બાટલા માંડવી પહોંચ્યા

ખીમજી રામદાસ પરિવારે મોકલેલા ઓક્સિજનના 400 બાટલા માંડવી પહોંચ્યા
માંડવી, તા. 14 : કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના બાટલાની પારાવાર મુશ્કેલીની માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઇ દવે તથા શેઠ ખીમજી રામદાસ ટ્રસ્ટના ટ્રસ્ટી-મેનેજર ભરતભાઇ વેદે ખીમજી રામદાસ મસ્કત પરિવારને જાણ કરતાં જણાવ્યું કે, હાલમાં માંડવી શહેર અને તાલુકા માટે 100 જેટલા ઓક્સિજન સિલિન્ડરની સખત જરૂરત છે. જે અંગે ખીમજી રામદાસ મસ્કત પરિવાર દ્વારા ખીમજી રામદાસ પ્રા. લિ. અમદાવાદ ઓફિસ મારફત 10 લિટરના 350 અને 40 લિટરના (જમ્બો) 50 ઓક્સિજનના બાટલા કિટ સાથે દુબઇથી કન્ટેનર મારફત રવાના કર્યા હતા, જે શુક્રવારે માંડવી પહોંચી આવ્યા હોવાની માહિતી ભરતભાઇ વેદે આપી હતી. શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઇ દવેની ઓફિસે 400 ઓક્સિજનની બોટલ ઉતારવામાં આવી હતી. માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉદયભાઇ ધકાણ, કમલેશભાઇ ગઢવી વિગેરેની ટીમ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. હાલના સંજોગોમાં એકીસાથે આ દર્દી વધતાં કોઇ પણ જગ્યાએ પૂરતી ઓક્સિજનની વ્યવસ્થા નથી. જે તે હોસ્પિટલમાં દર્દીઓ દાખલ હોય અને ઓચિંતો ઓક્સિજન સપ્લાય ખૂટી જવાના કારણે મૃત્યુ થવાના દાખલાઓ બન્યા કરે છે. આ પરિસ્થિતિમાં ખીમજી રામદાસ પરિવારે સ્તુત્ય પગલું ભરેલું છે, જેના લીધે દર્દીઓને અને ડોક્ટરોને મોટી રાહતની લાગણી થશે. શહેર ભાજપ પ્રમુખે ખીમજી રામદાસ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હાજી હસન હોસ્પિટલમાં કોવિડ?કેર સેન્ટર હાલમાં શરૂ?કરેલું છે, તે આ ઓક્સિજન સિલિન્ડર આવી ગયેથી તેની સુવિધા સાથે સારવાર આપવામાં આવશે. નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીએ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા બદલ દાતા પરિવારનો આભાર માની તેના રિફિલિંગ માટે આગામી 15-20 દિવસમાં માંડવીમાં પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા ચાલી રહ્યાનું જણાવ્યું હતું. આરોગ્ય અધિકારી ડો. પાસવાને કહ્યું કે, વર્તમાન સમયમાં માત્ર ને માત્ર ઓક્સિજન જ મહત્ત્વનું હોઇ આટલી મોટી માત્રામાં સિલિન્ડર આવ્યેથી મોટી રાહત થશે. ઓક્સિજનના બાટલાની વિતરણ વ્યવસ્થા અંગે એક ખાસ બેઠક બોલાવાઇ હતી. જેમાં નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઇ દવે, માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડો. પાસવાન, શિક્ષણવિદ્ વસંતબેન સાયલ, અનિલભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે. જી. ચૌધરી, મામલતદાર શ્રી રાવલ, મુખ્ય અધિકારી સાગરભાઇ રાડિયા વિગેરેએ ઓક્સિજન બોટલોનું નિરીક્ષણ કર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer