વાંઢાય ગામે શિવસાગર, મેરામણસર તથા મંગલસર તળાવનું ખાણેત્રું શરૂ

વાંઢાય ગામે શિવસાગર, મેરામણસર તથા મંગલસર તળાવનું ખાણેત્રું શરૂ
ભુજ, તા. 14 : તાલુકાના વાંઢાય ગામે ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે શિવસાગર, મેરામણસર તેમજ મંગલસર તળાવનાં ખાણેત્રાંના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નીમાબેન આચાર્યએ વાંઢાય ગામમાં 78 લાખના તળાવોનાં કામ કરાવ્યા છે. જેમાંથી ગત શિયાળામાં 89 લાખનાં કપાસ, રાયડો, જીરું, એરંડા અને  બકાલાનું ઉત્પાદન થયું હતું. તેમજ બે કરોડના તળાવના કામો મંજૂરીમાં છે તેમજ વાંઢાયમાં સાત વર્ષની અંદર 22 કરોડ જેવા વિકાસ કામો કર્યા હતા. વાંઢાયમાં કોઇ મોટી નદી નથી. રુકમાવતીનું ઉદ્ગમ સ્થાન છે. તળાવો બનાવી અને એ પાણીનો ઉપયોગ માત્ર એક જ શિયાળુ પાકમાં 89 લાખની ખેડૂતોને આવક થઇ તેમજ 30 કુટુંબોને કાયમી રોજગાર મળી રહેશે. ઉપરાંત પશુધન, વન્ય જીવો વૃક્ષોને જે ફાયદો થયો અને ભૂગર્ભ જળને ફાયદો છે તે અલગ. હજી જો બે તળાવ થઇ જશે તો વાંઢાય દુષ્કાળ મુક્ત થઇ જશે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન, ભીમજીભાઇ જોધાણી, પ્રકાશભાઇ મહેશ્વરી, રામજીભાઇ મહેશ્વરી, ઇશ્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ ભરતદાસજી, ગામના અગ્રણી સિંધલ કરશનજી, સિંધલ શંકરસિંહ, સિંધલ મહોબતસિંહ મમુજી (ગુગળવાળા), પારલે કંપનીના દીપેશભાઇ, સિંચાઇ વિભાગના શ્રી ગેલાણી ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer