આદિપુરની સોસાયટીમાં લાઇનો ચોકઅપ થતાં સમગ્ર વિસ્તાર ગટરનાં પાણીથી ભરાયો

આદિપુરની સોસાયટીમાં લાઇનો ચોકઅપ થતાં સમગ્ર વિસ્તાર ગટરનાં પાણીથી ભરાયો
ગાંધીધામ, તા. 14 : છેલ્લા અનેક વર્ષથી આ શહેર સંકુલમાં ગટરની લઇનો બેસી જવાના કે ચોકઅપ થવાના કિસ્સા વધી ગયા છે. તેનું કાયમી નિવારણ લાવવા પાલિકા લાઇનો બદલવા પછવાડે કરોડોનું આંધણ કરી ચૂકી છે. પરંતુ તેમ છતાં કોઈ ખાસ ફરક દેખાતો નથી. આજે જોડીયા નગર આદિપુરની મલીર સોસાયટી આસપાસ ગટરનાં ગંદા પાણીના તળાવ ભરાતાં રોષ વ્યાપ્યો હતો. વોર્ડ 4-એ સ્થિત મલીર સોસાયટીના મંત્રી લલિત વરીયાણીના જણાવ્યા પ્રમાણે છેલ્લા લગભગ આઠ મહિનાથી સોસાયટીની ગટર લાઇનો ચોક થઇ રહી છે. સમયસર યોગ્ય પગલાં ન લેવાતાં આજે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. પ્લોટ નં. 12-14ની સામેની તમામ ગટરની ચેમ્બરો આજે ઓવરફલો થતાં ચારે તરફ ગંદા પાણી ફરી વળ્યાં હતાં. મોટી ગટર લાઇન જ ચોકઅપ થતાં લોકોનાં ઘરમાં પણ ગંદા  પાણી ભરાવા માંડયાં હતાં. શ્રી વરીયાણીના જણાવ્યા પ્રમાણે  તેમણે પાલિકાના જવાબદારોને જાણ કરીને સફાઇ કામદારોને જેટીંગ મશીનો સાથે મોકલવા અનુરોધ કરાયો છે. ગટરની આ આખી લાઇન બદલવા પણ વિનંતી કરી છે.દરમ્યાન ચારે તરફ ગંદા પાણી ફરી વળતાં ઉઠતી દુર્ગંધને કારણે રહેવાસીઓની હાલત કફોડી બની ગઇ છે. જો સમયસર આ ગંદા પાણીનો નિકાલ નહીં થાય તો આમ પણ કોરોના મહામારી પ્રસરેલી છે તેમાં રોગચાળા રૂપી બીજી આફતનો ઉમેરો થશે તેવું રહેવાસીઓ અનુભવી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer