ન બેન્ડવાજાં, ન જાન... સતત બીજા વર્ષે અખાત્રીજે લગ્નવાડીઓમાં વર્તાયો સન્નાટો

ન બેન્ડવાજાં, ન જાન... સતત બીજા વર્ષે અખાત્રીજે લગ્નવાડીઓમાં વર્તાયો સન્નાટો
ભુજ, તા. 14 : `અક્ષય તૃતીયા'ના સપરમા દિને વણજોયા મુહૂર્તે સામાન્ય રીતે થોકબંધ લગ્નો યોજાતા હોય છે, પરંતુ કોરોના મહામારીના લીધે સળંગ બીજા વર્ષે `ન બેન્ડવાજાં ન બારાત' જેવા નજારા વચ્ચે લગ્નવાડીમાં સન્નાટો જોવા મળ્યો હતો. અખાત્રીજ અને પરશુરામ જયંતીએ કચ્છમાં વિવિધ સમાજોના સમૂહલગ્ન યોજવાની પરંપરા આ વર્ષે સતત બીજી વખત તૂટી છે. સરકારી ગાઈડલાઈન અને સંક્રમણના ભયે લગ્નો સિવાય ઉદ્ઘાટનો, વાસ્તુ કે સગપણ સાતરાં પણ મોકૂફ રહ્યા છે. નખત્રાણાના પ્રતિનિધિ અશ્વિન જેઠી ઉમેરે છે કે, સામાન્ય રીતે અખાત્રીજે પશ્ચિમ કચ્છના દેશાવર વસતા પાટીદારો વતનમાં કુટુંબકબીલા સાથે પહોંચી આવતા હોય છે. દરેક ગામોમાં દસ પંદર દિવસ ઘરો ખૂલે છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાથી આવતા પરિવારો દીકરા-દીકરીના સગપણ નક્કી કરતા હોય છે, પરંતુ અત્યારે લોકડાઉનના કારણે પ્રસંગોની ઉજવણી નહીં થતાં બજારોમાં અને ગામડાંમાં સંચારબંધી ભાસે છે. દરમ્યાન કોટડા (ચકાર)થી પ્રતિનિધિ રફીક ચાકીનો હેવાલ જણાવે છે કે, ભુજ તાલુકાના ગામડાઓમાં કૃષક વર્ગમાં અખાત્રીજનું અનેરું મહત્ત્વ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરામાં ખેડૂતો આ સપરમા દિને બળદ અને બળદગાડાંને આહીર બાંધણા અને મોતી સજાવીને ખેતરે જાય છે. આ પ્રસંગે હળ, ટ્રેક્ટર, ગાડાં અને બળદની પૂજા કરાય છે. બળદને તિલક કરીને મુહૂર્તના ખેતરમાં આંટા મરાવીને ખેતીના શુકન કરાય છે. ઉપરાંત ચોમાસાના ખરીફ પાકની વાવણીનો શુભારંભ થાય છે. વાવણી બાદ વરસાદની વાટ જોવાય છે. આ વખતે મહામારીના લીધે ધાર્મિક વિધિ જૂજ સંખ્યામાં કરાઈ હતી, કેટલાક ગામોમાં જ શુકન પૂરતા બળદ અને ગાડાંઓના શણગાર સાથે પૂજા થઈ હતી. સતત બીજા વર્ષે ખેડૂતો દ્વારા સોના-ચાંદી, ઝવેરાતની ખરીદી પણ થઈ શકી ન હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer