ફરજમાં નિષ્ઠા, ઇમાનદારી અને નિષ્પક્ષતા જેવા ગુણો પોલીસમેનમાં હોવા અતિ આવશ્યક

ફરજમાં નિષ્ઠા, ઇમાનદારી અને નિષ્પક્ષતા જેવા ગુણો પોલીસમેનમાં હોવા અતિ આવશ્યક
ભુજ, તા. 14 : નિષ્ઠાપૂર્વકની ફરજ ઉપરાંત ઇમાનદારી અને નિષ્પક્ષતા જેવા ગુણો એક પોલીસમેનમાં હોવા અત્યંત જરૂરી છે અને પોલીસદળમાં સામેલ થનારની કાર્યવાહી રાષ્ટ્ર અને લોકોનાં હિતમાં હોવી જોઇએ તેવું આજે અહીં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના અધીક્ષક સૌરભ સિંગએ દળમાં તાલીમ બાદ સામેલ થઇ રહેલા 253 લોકરક્ષક જવાનોને શપથ લેવડાવી તેમની સલામી ઝીલતાં જણાવ્યું હતું. શહેરમાં સરપટ નાકા બહાર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારે પોલીસદળમાં સામેલ કરાયેલા પુરુષ હથિયારી સંવર્ગના 253 લોકરક્ષક જવાનોનો શપથ કાર્યક્રમ યોજાયો હતો. આ જવાનોએ પરેડ યોજીને પોલીસ અધીક્ષકને સલામી આપી હતી.કાર્યક્રમ અંતગર્ત એસ.પી. શ્રી સિંગએ આ પોલીસ જવાનોને કર્તવ્ય સાથેની નિષ્ઠા, ઇમાનદારી અને નિષ્પક્ષ કાર્યવાહી બાબતના શપથ લેવડાવ્યા હતા. પોલીસદળની કામગીરી ઉપર પ્રકાશ પાડતાં જિલ્લા પોલીસ અધીક્ષકે આ નવનિયુકત જવાનોને દેશની આન, બાન અને શાન જળવાઇ રહે તે રીતે રાષ્ટ્ર અને તેના લોકોનાં હિતની કાર્યવાહીને અગ્રતા આપવાની શીખ પણ આપી હતી.પોલીસદળમાં સામેલ થયેલા આ 253 લોકરક્ષકોને તા. 21/09/2020થી તા. 14/05/2021 સુધીની આઠ મહિનાની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ તળે લોકરક્ષકોને શારીરિક રીતે સક્ષમ બનાવવા, યોગ અને પ્રાણાયામ, કરાટે, મોકડ્રિલ, હથિયારો સાથેની ડ્રિલ, આધુનિક હથિયારો વિશેનું જ્ઞાન, ફાયરિંગ પ્રેક્ટિસ, વિસ્ફોટક અને આપત્તિ વ્યવસ્થાપન, કોમ્પ્યુટર, કાયદો અને ગાર્ડ ફરજ સહિતનાં ઇનડોર અને આઉટડોર પાસાંઓથી સજ્જ તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પોલીસદળના અધિકારીઓ અને સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer