માધાપરમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી છરીની અણીએ દુષ્કર્મ આચરવાના પ્રયાસ સાથે મોબાઇલની લૂંટ

ભુજ, તા. 14 : શહેરની ભાગોળે આવેલા તાલુકાના વિકસિત અને સમૃદ્ધ એવા માધાપર ગામે ગતરાત્રે વૃદ્ધ મહિલાના ઘરમાં ફિલ્મી ઢબે ઘૂસીને છરીની અણીએ અજાણ્યા યુવાન શખ્સે દુષ્કર્મ આચરવા માટેનો ત્રણેક વખત પ્રયાસ કરવા સાથે મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. સનસનાટીસભર આ ઘટનાનાં પગલે રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મોટો કાફલો સ્થાનિકે દોડી ગયો હતો. કેસનો તાગ મેળવવા પોલીસદળે ચોમેર વ્યાપક દોડધામ આદરી છે. માધાપરમાં નવાવાસ વિસ્તારમાં આવેલા નરનારાયણદેવ નગર વિસ્તારમાં ગત રાત્રે આ કિસ્સો બન્યો હતો. ભોગ બનનારા વૃદ્ધ મહિલાએ આ બાબતે અંદાજિત 20થી 25 વર્ષની વયના અજ્ઞાત હિન્દીભાષી યુવાન સામે ગુનો દાખલ કરાવ્યો હતો.ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વૃઘ્ધ મહિલાના પતિ તેમની રાત્રિ ફરજ ઉપર ગયા હતા. ઘરના રસોડાના દરવાજાની સ્ટોપર બહારથી ખોલીને અંદર ઘૂસેલો આરોપી વૃદ્ધા જે શયનકક્ષમાં નિદ્રાધીન હતા ત્યાં પહોંચ્યો હતો. મહિલાનું મોઢું હાથથી  દબાવી તેના મોઢે લાલ રંગનું કોઇ પ્રવાહી લગાડવા સાથે તહોમતદારે તેની પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી તેના જોરે મહિલા સાથે ત્રણેક વખત દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન ભોગ બનનારે રાડારાડી કરતાં આસપાસમાં રહેતા લોકો જાગીને દોડી આવ્યા હતા. આ દરમ્યાન આરોપી વૃદ્ધાનો સેમસંગ કંપનીનો મોબાઇલ લૂંટીને પલાયન થઇ ગયો હતો. ઘટના વિશે પોલીસને જાણ કરાતાં ભુજ બી-ડિવિઝન મથકના ઇન્સ્પેક્ટર આર.ડી. ગોજિયા અને સ્ટાફના સભ્યો સ્થાનિકે દોડી ગયા હતા. કેસની ગંભીરતાને કેન્દ્રમાં રાખીને એસ.પી. સૌરભ સિંગ અને નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ ઉપરાંત મોટો પોલીસ કાફલો માધાપર પહેંચ્યો હતો. પોલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સર્વગ્રાહી છાનબીન હાથ ધરાઇ રહી છે. જેમાં સી.સી. ટી.વી. કેમેરાના અભ્યાસ સાથેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોપી હિન્દી ભાષા બોલતો હોવાનું અને તે માર દુંગા, માર દુંગા એમ બોલ્યો હોવાનું પણ ભોગ બનનાર પાસેથી જાણવા મળ્યું છે. આજે સાંજ સુધીમાં અજાણ્યા તહોમતદાર વિશે હજુ કોઇ નક્કર સુરાગ મળ્યો નથી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer