તૌકતે વાવાઝોડાંના સંભવિત આક્રમણ સામે બંદરો સતર્ક

ગાંધીધામ, તા. 14 : અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક આકાર લઇ રહેલાં તૌકતે વાવાઝોડાંના સંભવિત આક્રમણ સામે ઉત્તર અને દક્ષિણ કિનારાના ગુજરાતનાં તમામ બંદરોને સતર્ક કરી દેવાયાં છે. કચ્છના કંડલા (દીનદયાળ) સહિતના આ બંદરોએ આજે એક નંબરનું સિગ્નલ ફરકાવાયું હતું. લક્ષદ્વીપ નજીક સર્જાયેલું હળવું દબાણ 24 કલાકમાં વાવાઝોડાંમાં ફેરવાય અને તે પૂર્વ-ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી ધારણા છે. ભારતીય હવામાન વિભાગે આ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સાવચેતીની સૂચના આપી છે. કેરળના કન્નુરથી પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ તરફ 360 કિ.મી. અને વેરાવળથી દક્ષિણ, દક્ષિણ પૂર્વ તરફ 1170 કિ.મી. દૂર હાલ આ હળવું દબાણ કેન્દ્રિત છે. આગામી 12 કલાકમાં તે વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને પછીના 12 કલાકમાં તે વેગવાન વાવાઝોડાંમાં રૂપાંતરિત થાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનીને ઉત્તર- ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધીને 18મે સુધી ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. પરિણામે ગુજરાતના કંડલા સહિતનાં બંદરોએ ભયસૂચક એવું એક નંબરનું સિગ્નલ ફરકાવાયું છે, તેવી વિગતો ડીપીટી વેધશાળાના સૂત્રોએ આપી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer