હવેથી ખારીનદી લાકડાવાળા સ્મશાને પૂર્વવત્ અગ્નિદાહ આપવાનો રહેશે

ભુજ, તા. 14 : અહીંના ખારીનદી લાકડાવાળા સ્મશાન ખાતે મૃતદેહોની સંખ્યામાં ભારે વધારો થતાં આરએસએસ સ્વયંસેવકોની ટીમ દ્વારા સાંજે 4 વાગ્યાથી સવાર સુધી અગ્નિદાહ આપવાની સેવા અપાતી હતી પણ હવે મૃતદેહોની સંખ્યા એકલ દોકલ રહેતી હોવાથી 10 જણની ટીમની સેવા બંધ કરાઈ છે. મોડી રાત સુધી જે કાર્યકર્તાઓ કામ કરતા હતા તે હવે જરૂરિયાત મુજબ હાજર રહેશે જેથી મૃતકના સંબંધીઓએ જાતે પ્રોટોકોલ જાળવીને પૂર્વવત્ અગ્નિસંસ્કાર વિધિ કરવાની રહેશે. ભૂતનાથ સેવા સંસ્થાનના સંગઠનમંત્રી અજિતભાઈ પરમારે જણાવ્યું કે, ખારીનદી લાકડાવાળું સ્મશાન ચાલુ જ છે.લાકડા પૂરતા છે. આજે તે ટીમ સાથે મોટી ટ્રક લાકડાની ભારાપર-મેરાઉથી લાવી રહ્યા છે. સ્મશાનમાં મૃતદેહ લાવનારાને તેમના સામાજિક રીત-રિવાજ મુજબ અગાઉની જેમ જ લાકડા મફતમાં પૂરા પડાશે. કોઈ સ્વૈચ્છાએ દાન આપવા ઈચ્છે તો તે સ્વીકારાશે.  કોવિડના કે કોવિડ શંકાસ્પદ દર્દીનું મૃત્યુ થયું હોય તેમના અંતિમ સંસ્કાર માટે સરકારની માર્ગદર્શિકા મુજબ સાવચેતી સાથે અગ્નિદાહ આપવાનું શ્રી પરમારે સૂચન કર્યુ હતું. આરએસએસની 10 સ્વયંસેવકોની ટીમને સાંજે 4 વાગ્યાથી આખી રાત હવે મૃતદેહો સાવ નહિવત્ આવતા હોવાથી બેસી રહેવું યોગ્ય નથી. ગ્રામીણ કે અલગ અલગ ગામોથી આવતા સ્વયંસેવકો હવે સેવાનિવૃત્ત થશે. જો કે, સ્વયંસેવકોની જી.કે. જનરલ હોસ્પિટલમાં સેવા ચાલુ જ છે. કોઈને જરૂર હશે તો ત્યાં રજૂઆત કરવાથી શકય હશે તો મદદ કે માર્ગદર્શન મળશે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer