કચ્છના કબીરવડ સમા `કાકા''ની વિદાય

કચ્છના કબીરવડ સમા `કાકા''ની વિદાય
ભુજ, તા. 13 : કચ્છના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા `એગ્રોસોલ' સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ `સહજીવન' `અભિયાન' ના મોવડી માર્ગદર્શક અને માંડવીમાં વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઈન્સ.ના ભેખધારી સ્થાપક અને  કચ્છની હસ્તકલા અને કારીગરીને સમર્પિત શ્રૃજનના કાંતિસેનભાઇ શ્રોફ `કાકા'એ આજે વહેલી સવારે એક સાધક, સંસારી સાધુને છાજે એ રીતે મોહમાયા સંકેલી લેતાં જિલ્લાના વિવિધક્ષેત્રમાં શોક વ્યાપ્યો હતો. સેવા અને ઉદ્યોગક્ષેત્રે મુઠ્ઠી ઊંચેરું નામ કાંતિસેન શ્રોફ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ઉદ્યોગ અને સંશોધન ક્ષેત્રે એમનું પ્રદાન અનન્ય રહ્યું. તેઓનો જન્મ 1923માં માંડવીમાં થયો હતો. ભાવનગરમાં એક્સેલ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના એમણે કરી. વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ સ્થાપી અને એ થકી અનેકવિધ સામાજિક કાર્યો હાથ ધરાંયાં એ એક મિશાલ સમાન છે.  કચ્છના ગ્રામોત્થાનની અને જળસંચયની પ્રવૃત્તિનાં તેઓ પ્રણેતા રહ્યા હતા.  દુષ્કાળની વણઝાર, વાવાઝોડાં, ધરતીકંપ જેવી આફત વખતે તેમણે વ્યાપક સેવાકાર્યો કર્યાં હતાં.આજે બપોરે  પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં કુકમા ખાતે તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી લખ્યું હતું કે તેઓ સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત કલા-કારીગરો માટે મોટું યોગદાન આપ્યું હતું. 1998ના વાવાઝોડા બાદ રચાયેલા કચ્છમાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના બનેલા સંગઠન `કચ્છ નવનિર્માણ અભિયાન'નાં સ્થાપકો પૈકીના એક એવા પૂ. કાકાની ઓળખ કચ્છને આપવાની ન હોય. ભુજ-અંજાર માર્ગે લેરવાડીમાં એક ઉચ્ચકોટીનાં સાધકને છાજે એ રીતે તમામ મોહમાયાનો ત્યાગ સ્વયંભૂ કરીને `બસ હવે ઘણું જીવ્યા' તેવા ભાવ સાથે માત્ર જળની જ અમુક બુંદ લેતા છતાં તેજસ્વી ભાસતા કાંતિસેનભાઇએ આજે એ જ અવસ્થામાં 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતાં ગ્રામ્ય ઉત્થાન ક્ષેત્રના એક અધ્યાયનું જાણે સમાપન થયું હતું. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સાપ્તાહિક `ધ વીક'એ છેક 1995માં જેમને `મેન ઓફ ધ યર' તરીકે સન્માન આપ્યું હતું એવા પૂ. કાકાના વડપણ હેઠળ માંડવીમાં વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ (વી.આર. ટી.આઇ.)ના લોકહિતનાં કાર્યો હોય કે `શ્રૃજન' અને પછી એઁલ. એલ.ડી.સી. (લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇનર સેન્ટર) અજરખપુરની કામગીરી હોય શ્રોફ દંપતીની સેવાઓની નોંધ કચ્છ જ નહીં પણ કચ્છ આવનારા દેશ-વિદેશના લોકોએ સહર્ષ લીધી છે.શ્રી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદજીનાં અંતેવાસી એવા કાંતિસેનભાઇ શ્રોફ -68ના દુકાળ વખતે રામકૃષ્ણ મિશન દ્વારા ધાણેટી (તા. ભુજ)માં રાહત કાર્ય ચલાવવા આવ્યા. કચ્છનાં અદના કારીગરની મદદમાં એવા તો જોતરાઇ ગયા કે ચંદાબેન શ્રોફને એ કામગીરી બદલ 2006માં `સોયદોરામાંથી ક્રાંતિનું સર્જન' કરવા  બદલ એક લાખ યુએસ ડોલરનો પ્રતિષ્ઠિત `રોલેક્ષ એવોર્ડ' એનાયત થયો. આ શ્રોફ દંપતીના પ્રયાસોથી કચ્છનાં 120 ગામની ત્રણ હજારથી વધુ બહેનો શ્રૃજન સાથે હસ્તકળા કારીગરીથી જોડાઇ અને `આત્મનિર્ભર' થઇ. કચ્છમાં વી.આર.ટી.આઇ. દ્વારા થયેલા જળ સંગ્રહના કામોની કદર રૂપે ઇન્સ્ટિટયૂટના ચેરમેન અને સ્થાપક એવા કાંતિસેનભાઇ શ્રોફ `કાકા'ને દેશનો સર્વ પ્રથમ રાષ્ટ્રીય જળ સંચય અભિયાન એવોર્ડ 1995નાં અપાયો, કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તેમની સંસ્થાએ જળસંચયના ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી પાર પાડી. જેના સન્માન સ્વરૂપે ફાવર્ડ સ્કૂલ ઓફ ઇન્ડિયા એવોર્ડ 1991માં શ્રી જમનાદાસ બજાજ ફીચર બિઝનેશ પ્રેકિટસ એવોર્ડ 1992 અને ગુડ કોર્પોરેટ સિટીઝન એવોર્ડ 1993-94માં અપાયા. એકસેલ ઇન્ડસ્ટ્રીઝ લિ. મુંબઇના સ્થાપક ઉદ્યોગપતિ એવા પૂ. કાકાએ 2018માં 96 વર્ષની  વયે પણ પેન્સિલ અને પીંછીથી પ્રવૃત્ત આ તેમના દોરેલા ચિત્રોનું ખાસ પ્રદર્શન એલ.એલ.ડી.સી. ખાતે `કાકાંસ આર્ટ વર્ક' નામે યોજાયું હતું મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, જય પ્રકાશ નારાયણ અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત શ્રી શ્રોફે `શાંતિ નિકેતન'માં ખાસ ચિત્રો માટે અભ્યાસ કર્યો હતો અને પછી 1947થી આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા હતા. તેથી જીવન સંધ્યાએ શોખ પુન: જીવિત કર્યો હતો. વયોવૃદ્ધ એવા કચ્છના હામીએ લાંબા સમયથી ભોજન, દૂધ, ફળ, ઇત્યાદિનો ત્યાગ કર્યો હતો અને `હંમેશાં ખૂબ ખાધું હવે બસ' એવા શબ્દો ઉચ્ચારતા હતા તેમના સ્વાસ્થ્ય માટે સતત સંપર્કમાં રહેતા ડો. મુકેશ ચંદેના જણાવ્યાનુસાર સતત પાણી પર હોવા છતાં તેમના ચહેરાની ઓજસ્વિતા અકબંધ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer