જી.કે.માં હજુ 200 બેડ વધારો, કચ્છીઓ જાય કયાં ?

જી.કે.માં હજુ 200 બેડ વધારો, કચ્છીઓ જાય કયાં ?
ભુજ, તા. 13 : કચ્છના પ્રા. આ. કેન્દ્રો અને સા.આ. કેન્દ્રોમાં ડોક્ટરો નથી, સુવિધા નથી, ઓક્સિજન નથી ત્યારે સંસ્થાને સરકારે સોંપેલી સિવિલ જી.કે. જનરલ હોસ્પિટલમાં હજુ 200 બેડ વધારો, કચ્છી જાય કયાં ? અમદાવાદ પહોંચે તે પહેલાં શ્વાસ પૂરો થઇ જાય તેવી રાજ્ય સરકાર પર પસ્તાળ પાડતાં વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધનાણીને જણાવ્યું હતું. કચ્છમાં કોરોનાના કેસો અંકુશમાં નથી આવતા, મૃત્યુદર વધી રહ્યો છે, ત્યારે જાત માહિતી મેળવવા આજે જિલ્લાની મુલાકાતે આવેલા વિધાનસભામાં કોંગ્રેસના નેતાએ ગાંધીધામ, ભુજ બાદ રાતા તળાવ ખાતે કોરોના દર્દીઓની સારવાર - સુવિધા અંગે વિગતો મેળવી સૂચનો કર્યાં હતાં. જી.કે. જનરલ હોસ્પિટલમાં બપોરે પત્રકારેને સંબોધતાં ગાંધીધામની સરકારી હોસ્પિટલની કામગીરી જોઇ તેથી અસંતોષ થયો તેમ જણાવી કોવિડ કેર સેન્ટરમાં સંસ્થા અને દાતાઓ દ્વારા અપાતી સુવિધાને બિરદાવી હતી.જી.કે. જનરલ હોસ્પિટલમાં કોંગ્રેસ અગ્રણીઓ અને જી.કે.ના ચીફ મેડિ. સુપ્રિ. ડો.નરેન્દ્ર  હિરાણી, મેડિકલ એડમિન, ડો. કૃપાલીબેન કોઠારી અને ડો. શાર્દુલ ચૌરસિયા સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની વિગતો મેળવી હતી. જાતે કોવિડ વોર્ડમાં જઇ દર્દીઓને સારવાર સંબંધી પૂછપરછ કરી હતી. બાદમાં કોન્ફરન્સ હોલ ખાતે પક્ષના જિલ્લા પ્રમુખ, યજુવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશ મહામંત્રી આદમ ચાકી, નવલસિંહ જાડેજા, રફીક મારા, રવિન્દ્ર ત્રવાડી, પ્રવકતા ગની કુંભાર, ઘનશ્યામ ભાટી, અરજણ ભુડિયા અગ્રણીઓ દ્વારા જી. કે. સંબંધી સૂચવાયેલા પ્રશ્નો બાબતે સત્તાવાળાઓ સાથે ચર્ચા કરી હતી. તે ટાંકણે 200 બેડ વધારી શકાય તેમ હોવાથી વધારવા અનુરોધ કર્યો હતો. ઓક્સિજનની વ્યવસ્થા અંગે મુશ્કેલી શા માટે થાય છે ને ઉકેલ માટેનાં આયોજન અંગે પૃચ્છા કરી હતી. દર્દીઓના સંબંધીઓને રાત્રે તપાસ કરવા જતાં યોગ્ય માર્ગદર્શન નથી મળતું તે સહિતની મુશ્કેલી ઉકેલવા જણાવ્યું હતું. પી.એમ. કેર ફંડમાંથી આવેલાં વેન્ટિલેટરમાંથી ચાર જ ચાલુ છે તો અન્ય પાછળનાં ખર્ચ અંગે નારાજગી દર્શાવી વેન્ટિલેટર બાયપેપ, ઓકિસજન બેડ વધારવા અનુરોધ કર્યો હતો. જો કે, તબીબો અને સ્ટાફની અવિરત સેવાને બિરદાવી હતી. હોસ્પિટલના બાજયેપી ગેટ બહાર પત્રકારોને સંબોધતાં ગુજરાત સહિત કચ્છનાં ગામડાંના લોકોની સારવારમાં રાજ્ય સરકારને નિષ્ફળ ગણાવતાં  કહ્યું કે બાર મહિનાનો સમય તૈયારી માટે મળ્યો, પણ કોઈ જ તૈયારી ન કરાઈ, જેથી આજની ગંભીર પરિસ્થિતિ અને મૃત્યુ આંક વધવાનું કારણ છે. સરકાર નથી ઓક્સિજન પૂરું પાડી શકતી, નથી રેમડેસીવીર ઈન્જેકશન મળતા, રસી માટેની અપીલો કરાઈ, પણ લેવા જનારાના ભાગે ધક્કા જ ખાવાના રહે છે. આ દરેક માટે લાઈનો બનાવવી પડે છે. હદ તો ત્યાં થાય છે કે અંતિમક્રિયા માટે વેઈટિંગ, તેમાં પણ લાઈનો લાગે છે. કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારમાં પૂરતાં વેન્ટિલેટર ખરીદીને તાત્કાલિક પહોંચાડવાની જરૂર છે. તો અન્ય સુવિધાની ખુટતી કડી સાંધવાની જરૂર છે. ખાનગી તબીબી ક્ષેત્રે પણ સેવા ટૂંકી પડે છે, ત્યારે સરકાર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં તેવું જણાવતાં પરેશભાઈએ આ પ્રશ્ન સરકાર સમક્ષ ઉઠાવશે તેવું ઉમેર્યું હતું. શ્રી ધનાણી ભુજથી અબડાસાનાં રાતા તળાવ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવા નીકળ્યા હતા. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને અ.જા. આગેવાન ધર્મેન્દ્ર ગોહિલે વિધાનસભા વિપક્ષી નેતા પાસે અનુસૂચિત જાતિના લોકો ખાનગીમાં સારવાર લઈ શકતા ન હોવાથી સરકારીમાં અગ્રતા આપવા ફોનથી માંગ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer