ભુજમાં 69 સાથે કચ્છમાં 185 નવા કેસ

ભુજમાં 69 સાથે કચ્છમાં 185 નવા કેસ
ભુજ, તા. 13 : કોરોનાના કેસમાં ઉતાર-ચડાવના જારી દોર વચ્ચે ગુરુવારે જિલ્લામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી હતી, તો મૃત્યુ આંકમાં ઘટાડો થયો હતો. જિલ્લામાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા હતા, તો વધુ ત્રણ લોકોનો આ મહામારીએ ભોગ લીધો છે. જિલ્લા મથક ભુજમાં કોરોનાનું વકરતું સંક્રમણ શમવાનું નામ ન લેતો હોય તેમ 185માંથી સર્વાધિક 69 કેસ તો ભુજમાં નોંધાયા હતા, તેમાં 48 શહેરમાં અને 21 કેસ તાલુકામાં નોંધાયા હતા. ભુજમાં તો રાત્રિ ર્ક્ફ્યૂ સહિતના મિનિ લોકડાઉન જેવાં નિયંત્રણો અમલમાં હોવા છતાં કોરોનાના કેસમાં લેસ માત્ર  ઘટાડો થયો નથી. સામી તરફ ભુજમાં જ સર્વાધિક 29 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.જિલ્લાના અન્ય વિસ્તારની વાત કરીએ તો રાપરમાં 20, ભચાઉ-માંડવીમાં 17-17, મુંદરામાં 14, અબડાસામાં 13, નખત્રાણામાં 12, ગાંધીધામમાં 11, અંજારમાં 8 અને સૌથી ઓછા 4 કેસ લખપત તાલુકામાં નોંધાયા હતા. જિલ્લાના શહેરી વિસ્તારમાં 95, તો ગ્રામ્ય વિસ્તારમાં 90 કેસ નોંધાયા હતા. આમ શહેરોમાં  સંક્રમણ ઘટયું પણ ગામડાંમાં વધ્યું છે. 110 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 6839 પર પહોંચી છે, તો જિલ્લામાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 10581 પર પહોંચી ગયો છે. વધુ 3 મોત સાથે કુલ મૃતાંક 248 થયો છે. સક્રિય કેસ વધીને 3632 થયા છે. જિલ્લાનો કોરોના રિકવરી રેટ ઘટીને 64.63 ટકા થયો છે. તો સક્રિય કેસની ટકાવારી વધીને  34.32 ટકા થઇ છે. જિલ્લામાં 18થી 44 વર્ષમાં 903 અને 45 વર્ષથી વધુના3057 મળી 3960 લોકોને રસી આપવામાં આવી હતી. રસી લેનારા લોકોની કુલ સંખ્યા 2,42,618 પર પહોંચી ગઇ છે. - ઓક્સિજનના બેડ વધ્યા-વેન્ટિલેટરના ઘટયા : તંત્રની યાદી અનુસાર ઓક્સિજનના 417 અને વેન્ટિલેટર-બાયપેપવાળા 23 તેમજ 1319 સાદા મળી 4329ની કુલ ક્ષમતા સામે 1759 બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ હોવાનો દાવો પ્રશાસન દ્વારા કરાયો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer