`તૌકતે'' વાવાઝોડાંની સંભાવનાનાં પગલે કચ્છનાં 1ર3 કાંઠાળ ગામોને સતર્ક કરાયાં

`તૌકતે'' વાવાઝોડાંની સંભાવનાનાં પગલે કચ્છનાં 1ર3 કાંઠાળ ગામોને સતર્ક કરાયાં
ભુજ, તા. 13 : રાજ્યમાં તૌકતે વાવાઝોડું આવવાની સંભાવનાનાં પગલે કચ્છ કલેક્ટર પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષ સ્થાને પૂર્વ તૈયારી માટેની બેઠક યોજાઇ હતી. તારીખ 14થી 20મી મે દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાના કાંઠાળા વિસ્તારોના સાત તાલુકાનાં 123 ગામોને સતર્ક કરાયા છે. અહીં રાખવાની અગમચેતી અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. લખપત, અબડાસા, માંડવી, મુંદરા, અંજાર અને ગાંધીધામ તાલુકાના કાંઠા વિસ્તારનાં 123 ગામમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે નારાયણ સરોવરથી ભચાઉ  સુધી  બંદરો તેમજ માછીમારો અને અગરિયાઓ માટેની સાવચેતી બાબતે સંલગ્ન વિભાગો અને લાયઝન અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.  કલેક્ટરે આ તકે અંતિમ દસ વર્ષની પરિસ્થિતિનો તાગ લઈને વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારી કરવા સંબંધિતોને સૂચિત કર્યા હતા. પીજીવીસીએલ, પાણી પુરવઠા, રોડ અને  બિલ્ડિંગ વગેરેના અધિકારીઓને સંભવિત વાવાઝોડા સામે ઇમર્જન્સીમાં કરવાની કામગીરી માટે તાકીદે તૈયાર રહેવા સૂચિત કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર કુલદીપાસિંહ ઝાલાએ સંબંધિત સર્વે કચેરીઓ અને અધિકારીઓને તાલુકાવાર તમામ પૂર્વ તૈયારીની ચકાસણી અને વ્યવસ્થા માટે તાગ મેળવ્યો હતો. અગરિયાઓ, બંદરો, મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા શહેરો, સ્ટેશનો અને સેન્ટરમાં એલર્ટ રહેવા જણાવ્યું હતું. કલેક્ટર દ્વારા જરૂર પડે સ્થળાંતર અને આશ્રય સ્થાનો તેમજ કોવિડ કેર સેન્ટરમાં, સામાન્ય લોકો અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવા ભાર મુકાયો હતો. એસ.ટી., સંદેશાવ્યવહાર, વન વિભાગ અને મત્સ્યોદ્યોગ વગેરેનું તાલુકા સ્તરે પણ બેઠકનું આયોજન થાય તેમ જણાવ્યું હતું.રાહત કમિશનરનાં સૂચન મુજબ અસર પામે તેવા ઘણા વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરમાં કરવાની થતી પૂર્વ તૈયારીની ચકાસણી કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડયુટી કલ્પેશ કોરડિયા, જિલ્લા પુરવઠા અધિકારી ડો. રીના ચૌધરી, પાણી પુરવઠાના અધિકારી, જિલ્લા રજિસ્ટ્રાર વી.આર. કપૂરિયા, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કનક ડેર, નાયબ વન સંરક્ષક શ્રી ઠક્કર, નાયબ માહિતી નિયામક એમ.ડી. મોડાસિયા, મત્સ્યોદ્યોગના મદદનીશ નિયામક જે.એલ. ગોહેલ, આર એન્ડ બીના ઈજનેર આર.બી. પંચાલ, સિંચાઇમાંથી મદદનીશ ઈજનેર કે.વી. ટેલર, ભુજ ચીફ ઓફિસર શ્રી સોલંકી, ઈજનેર એચ.કે. રાઠોડ, કે.પી. દેવ, ભુજ મામલતદાર શ્રી બારહટ તેમજ  ઈન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર રાહુલ ખાંભરા, નાયબ મામલતદાર રમેશ ઠક્કર તેમજ  ડીવાય.એસ.પી. જીવન પંચાલ, એન. પટેલ, એમ.બી. દાફડા તેમજ અન્ય કર્મયોગીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer