નખત્રાણામાં રસી ઝુંબેશ મજાક સમાન

નખત્રાણામાં રસી ઝુંબેશ મજાક સમાન
નખત્રાણા, તા. 13 : કોરોનાના કહેરને નાથવા તાલુકાના આ મુખ્ય મથક સહિત - પી.એચ.સી. સેન્ટરોમાં રસી આપવાની ઝુંબેશ તો શરૂ થઈ, પરંતુ આરંભે 100નો સ્લેબ પછી હવે બે-ત્રણ દિવસથી અહીંની કન્યાશાળા ખાતે માત્ર ત્રીસ જણને રસી અપાતાં વહેલી સવારે આવનારા લોકો હેરાન-પરેશાન થયા છે. મોટી સંખ્યામાં લોકો આવતાં ભીડ જામવા સાથે આપસમાં ટકરાવ-બોલાચાલી થાય છે. માત્ર 30 જણને જ રસી અપાતાં આ ઝુંબેશને લોકો મજાક સમાન લેખાવે છે. કન્યાશાળા ખાતે સવારે રસી આપવાનું આઠ વાગે શરૂ થાય અને માત્ર બે કલાકમાં ત્રીસનો કવોટા પૂરો થઈ જતાં પ્રથમ અને બીજા ડોઝ માટે લોકો રખડી પડે છે. આમ ને આમ ચાલ્યું તો રસી લેનારાનો વારો છ મહિના સુધી પણ નહીં આવે. આરોગ્ય તંત્રના જવાબદારો પણ હતાશ થઈ કહે છે પૂરતો સ્લેબ ન આવે તો અમે શું કરી શકીએ. ખરેખર આરોગ્ય વિભાગે દરરોજ 100નો સ્લેબ આપવાની જરૂર છે. કન્યાશાળાના સેન્ટર ખાતે ભારે ભીડ જામે છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થાય છે. ખરેખર તો ગ્રામપંચાયત ટોકન પદ્ધતિથી રસીકરણ કરાવે તેવી નગરજનોની લાગણી છે. પ્રજાકીય પ્રતિનિધિઓ આમાં સહયોગ આપે ઉપરાંત અશિક્ષિત લોકોને મોબાઈલ પર મેસેજ ન આવતાં નારાજગી ફેલાઈ છે. સાથે જે-તે વિસ્તારના પ્રતિનિધિઓ સહયોગ સાથે વ્યવસ્થા કરાવે. ચૂંટણી ટાણે મતો લેવા દિવસ-રાત એક કર્યા, તો આ બાબતે પણ કંઈ ઉકેલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે. કન્યાશાળા ખાતે ભારે ભીડ થતાં સંક્રમણનો પણ ભય સતાવી રહ્યો છે! 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer