ગાંધીધામ સંકુલમાં વાવાઝોડું આવ્યું તો શહેર ડૂબમાં જાય તેવી ભીતિ

ગાંધીધામ સંકુલમાં વાવાઝોડું આવ્યું તો શહેર ડૂબમાં જાય તેવી ભીતિ
ગાંધીધામ, તા. 13 : હવામાન વિભાગે આગામી સમયમાં વાવાઝોડાની આગાહી કરી છે આ તૌકતે નામનું વાવાઝોડું તા. 19-20ના અહીં આવશે તેવી ભીતિ છે. તેવામાં અહીંના વરસાદી નાળા સાફ નથી થયાં તેમજ અનેક જગ્યાએઁ નવા વરસાદી નાળા અધૂરા પડયા છે ગટરની મુખ્ય ચેમ્બરોની સાફ સફાઇ થઇ નથી. જો વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે તો શહેર સંકુલ બેટમાં ફેરવાઇ જવાની ભીતિ ઉભી થઇ છે. આગામી 19 અને 20નાં તૌકતે નામનું વાવાઝોડું રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે અહીં પણ આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જો આ વાવાઝોડા સાથે વરસાદ ખાબશે તો અહીંના નીચાળવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ જવાની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યાં છે. એક બાજુ કોરોના મહામારીએ લોકોની કમર ભાંગી નાખી છે. બીજી બાજુ જો વાવાઝોડું આવશે અને પાણી ભરાઇ રહેશે તો ગરીબ અને મધ્ય માર્ગીય લોકો માટે મરો થશે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. અહીંના ઇફકોની સામે સુંદરપુરી બાજુ પાલિકાએ નવું વરસાદી નાળું બનાવ્યું છે અનેક મહિના થઇ ગયા છતાં આ  નાળાનું કામ પૂર્ણ કરાયું નથી એક ટુકડો બનાવીને રાખી દેવામાં આવ્યો છે. તેને આગળના કોઇ નાળા સાથે જોડાણ આપવામાં આવ્યું નથી. તેમજ ડી.પી.ટી.ના દાદા ભગવાન મેદાન પાસે પણ એક ટુકડો નાળું બનાવ્યું છે અહીં દબાણકારોની આગળ પાલિકા ઘૂંટણીયે પડી હોય તેમ કામ આગળ વધારવામાં આવ્યું જ નથી. જો વાવાઝોડા સાથે વરસાદ આવશે અને આ નાળા ભરાઇ જશે પછી કોઇ તે નાળામાં ખાબકશે અને પોતાનો જીવ ગુમાવશે તો તેની જવાબદારી કોની  તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યાં છે. બીજી બાજુ જે જૂના નાળા છે તેના મોઢા (મુખ)ની સાફ?સફાઇ પણ કરવામાં આવી નથી. આવામાં વરસાદ ખાબકશે તો પાણી કેમ આગળ વધશે તે પ્રશ્ન છે. શહેરમાં વલ્લભભાઇની પ્રતિમા પાસે ત્રણેક મુખ, આરતી હોટેલ પાસે, ગાયત્રી મંદિર રોડ, ગ્રીનપાન અને બસ સ્ટેશન પાસે પાલિકા કચેરીથી ધોરી માર્ગ બાજુ વગેરે મોઢા (મુખ) બંધ પડયા છે. અહીંની પાલિકાના ઇજનેરી વિભાગના અમુક નવા કર્મીઓ પ્રસાદી લેવાની બાબતમાં જૂના અમુક કર્મીઓ કરતાં ચાર ચાસણી ચડે તેવા હોવાનો ગણગણાટ ખુદ પાલિકાના કર્મીઓમાં થઇ રહ્યો છે. આ નવા કર્મીઓ જૂના કર્મચારીઓનો ભ્રષ્ટાચારમાં  રેકોર્ડ તોડશે તેવી ચર્ચા પણ થઇ રહી છે. આ તૌકતે વાવાઝોડા અને વરસાદ પહેલા જો વરસાદી નાળાઓના મુખ સાફ નહીં કરાય અને અધૂરા નવા નાળાનું કામ આગળ નહીં વધારાય તો આગામી સમયમાં આ શહેર, સંકુલમાં ભયંકર પરિસ્થિતિ ઉભી થશે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યાં છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer