મહામૃત્યુંજયના જાપ સાથે અગ્નિદાહ કરે છે આ મહિલા

મહામૃત્યુંજયના જાપ સાથે અગ્નિદાહ કરે છે આ મહિલા
કોઈ પણ શહેર એમાં વસવાટ કરતા `પારકી છઠ્ઠીના જાગતલ' લોકોથી ઉજળું હોય છે. ભુજ શહેરમાં પારકી છડ્ડીના જાગતલ લોકોમાંનાં એક છે, મહિલા અગ્રણી જ્યોતિબેન ભટ્ટ. જ્યોતિબેને પોતાના મામાની એક શીખ ગાંઠે બાંધી છે કે, `કોઈ આફતમાં સપડાયું હોય, ખરાબ સંજોગોથી ઘેરાયલું હોય, બીમાર હોય કે અવસાન પામે તો કોઈની રાહ જોયા વિના દોડીને પહોંચી જવું.' જ્યોતિબેનનાં આવાં જ પ્રો-એક્ટિવ મિજાજ ને વર્તન છે. ભુજ નગરપાલિકામાં 35 વર્ષ નોકરી કર્યા બાદ 2018માં તેઓ નિવૃત્ત થયાં એટલે હાલે 63 વર્ષનાં છે, પરંતુ તેમનાં પ્રવૃત્તિ અને તરવરાટ એક યુવતીને પણ શરમાવે તેવાં. 1999માં તેમના પિતાનો દેહાન્ત થયો ને 2004માં માતાનો, પરંતુ બન્નેનાં અંતિમ સંસ્કાર ચીલો ચાતરીને તેમણે સ્થિત પ્રજ્ઞ થઈને કર્યા ત્યારથી એમની એ જીવનરીતિ બની છે કે તેમની જ્ઞાતિમાં કોઈનું પણ મૃત્યુ થાય તો જ્યોતિબેન દોડીને પહોંચે અને સ્મશાને જાય અચૂક. જો નજીકના મિત્રોમાંથી કોઈનું અવસાન થાય તો કાંધ પણ જરૂર આપે. આજે કોરોનાના કપરા કાળમાં અનેક બહેનોને સમજાવી હોમ ક્વોરન્ટાઈન કરી રહ્યાં છે અને બીજી રીતે પણ મદદગાર બની રહ્યાં છે. પરંતુ, આજ તો તેમનાં સમર્પિતપણાની બીજી વાત પ્રકાશમાં લાવવી છે. ભુજમાં કોરોના વકર્યો, મૃત્યુદર વધ્યો, એટલે કોઈનીયે રાહ જોયા વિના આર.એસ.એસ.ના સ્વયંસેવકો સાથે જ્યોતિબેન ભટ્ટ ખારી નદી સ્મશાન પર છેલ્લા 20 દિવસથી સતત અગ્નિ સંસ્કાર અને અગ્નિદાહ માટે ખડે પગે છે. રાષ્ટ્રવાદને વરેલા સ્વયંસેવકોની સાથે આ મહિલાને સલામી કરવી પડે. વહેલા ઊઠી, રસોઈ વિ. પતાવી અને સવારના આઠના સુમારે તેઓ નિયમિત રીતે અગ્નિદાહનાં પુણ્યકર્મ માટે અચૂક પહોંચી જાય છે. તેમની સાથે આ સંબંધી અને તેમના મનોભાવ સંબંધી વાત કરતાં ખૂબ સારું લાગ્યું, જે સામાન્ય વ્યક્તિઓને પણ હામ પૂરશે. શહેર શોભે છે આવા નાગરિકોનાં નિ:સ્વાર્થ કર્મથી. મેં પૂછ્યું, `કેવા મનોભાવ રહે છે તમારા અગ્નિદાહ કરતાં કરતાં?' તેમણે કહ્યું, `વર્ષોથી આ તો મારો જીવનક્રમ છે. મેં વિધિવત્ રીતે જનોઈ ધારણ કરી છે, એટલે શરીરથી આ કામ કરતી રહું છું અને મનથી શિવજીના મહામૃત્યુંજય મંત્રનો સતત જાપ કરતી રહું છું. સામાન્ય રીતે અગ્નિદાહ કરતાં ત્રણેક માળા પૂરી થાય. કોરોનામાં તો જેનો અગ્નિદાહ કરીએ તે વ્યક્તિ વિષે કાઈં જ માહિતી ન હોય. શું નામ હશે, કઈ જ્ઞાતિ હશે, શી ઉંમર હશે વિગેરે, પરંતુ પરમાત્માને પ્રાર્થના કરતી રહું કે આ વ્યક્તિને મુક્તિ આપજે, શાંતિ આપજે. એક સંતોષની લાગણી થાય કે પરમાત્મા એ દેહ આપ્યો છે, તો એક પુણ્યનાં કામમાં નિમિત્ત થવાનું સદ્ભાગ્ય મળ્યું.' સ્મશાનો મોટા ભાગે દક્ષિણ દિશામાં હોય છે અને સ્મશાનના દેવતા શિવજી `દક્ષિણા મૂર્તિ શિવ' છે, એટલે કે સતત સ્મશાન તરફ જોઈ રહ્યા છે, ત્યારે જ્યોતિબેન જેવાં કર્મને વરેલાને અગ્નિદાહ આપતાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતાં તેમના ભક્તને જોઈ જરૂર શિવજીની આંખમાંથી અમી નીતરતું હશે. તેમનાં કર્મઠ જીવનમાંથી પ્રેરણા લઈ કોરોનાના આ કપરાકાળમાં આપણે પણ કોઈની આંખનાં આંસુ?લૂછીએ, કોઈ સૂકા હોઠને સ્મિત આપીએ. - નલિન ઉપાધ્યાય 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer