કુદરતી આફતો વખતે હંમેશાં કચ્છને કાકાની હૂંફ મળી છે

કુદરતી આફતો વખતે હંમેશાં કચ્છને કાકાની હૂંફ મળી છે
ભુજ, તા. 13 : કાંતિસેન શ્રોફનું જીવન ગ્રામોત્થાન અને કચ્છ વિકાસને સમર્પિત રહ્યું. કચ્છને વાવાઝોડા, દુષ્કાળ, ધરતીકંપ જેવી અનેક કુદરતી આફતો વખતે તેમનું દૃષ્ટિવાન માર્ગદર્શન મળ્યું છે એમ જાણીતા દાનવીર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ - જન્મભૂમિ પત્રોના ચેરમેન દામજીભાઈ એન્કરવાલાએ જણાવ્યું હતું. કાકાના નિધન પર શોક વ્યક્ત કરતાં દામજીભાઈએ 1998ના કંડલા વાવાઝોડા વખતે કંઠીપટના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયત ને વિશેષ તો ખેડૂતો માટે કમાઉ દીકરા જેવા હજારો ખારેકના વૃક્ષનો સોથ વળી ગયો હતો ત્યારે કાકાએ સુમતિચંદ્ર મહેતાની સાથે લીધેલી મુલાકાત યાદ કરી હતી. જળસંચયના કામો હોય કે કૃષિવિકાસ કાંતિસેનભાઈ હંમેશાં નોખી દૃષ્ટિથી વિચારતા. જરૂર પડયે સરકારને માર્ગદર્શન આપ્યું છે અને હંમેશાં લોકોની પડખે રહ્યા છે. આટલા સફળ ઉદ્યોગપતિ હોવા છતાં તેમણે સાદગીભર્યું જીવન જીવી જાણ્યું. હંમેશ જમીન સાથે જોડાયેલા મહામાનવ બની રહ્યા એમ કહેતાં દામજીભાઈએ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer