કચ્છના સર્વાંગી વિકાસના સ્વપ્નદૃષ્ટાને અંજલિ

કચ્છના સર્વાંગી વિકાસના સ્વપ્નદૃષ્ટાને અંજલિ
ભુજ, તા. 13 : કચ્છના દાનવીર અને કર્મશીલ શ્રેષ્ઠી કાંતિસેનભાઈ શ્રોફ ઉર્ફે કાકાના અવસાનના પગલે વિવિધ સંસ્થાઓ તથા રાજકીય-સામાજિક આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજ્યમંત્રી - અંજાર વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, કાંતિસેનભાઈ શ્રોફ એક આગવી પ્રતિભા ધરાવતા હતા અને કચ્છની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. સદ્ગતને શ્રી આહીરે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી. પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ અંજલિ આપતાં કહ્યું હતું કે, માત્ર કચ્છ નહીં, પરંતુ આખા ગુજરાતે ભારે કુશાગ્ર અને સજ્જન વ્યક્તિત્વ ખોઈ દીધું છે. કૃષિ, ઉદ્યોગ, ગ્રામ વિકાસ, રોજગાર સહિત ક્ષેત્રોમાં કચ્છના સર્વગ્રાહી, સમાવર્તી વિકાસ માટે 98 વર્ષીય કાંતિસેન શ્રોફે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ સમર્પિત કરી. શ્રૃજન, વીઆરટીઆઈ જેવી સંસ્થાઓના માધ્યમથી યુવાનો, ત્રીઓને રોજગાર, હસ્તકલાને પ્રોતસાહન આપનારા દંતકથારૂપ પ્રતિભા `કાકા'ને તેમનો વિશાળ ચાહક સમુદાય વરસો સુધી યાદ રાખશે તેવું તેમની સાથેના સંસ્મરણો વાગોળીને પૂર્વ?નાણામંત્રી બાબુલાલ મેઘજી શાહે અંજલિ આપતાં કહ્યું હતું. કચ્છના વિકાસમાં સિંહફાળો આપનાર, આમ જનતાના પણ માર્ગદર્શક એવા શ્રૃજન સંસ્થાના મોભી કાંતિસેન શ્રોફ `કાકા'ની વિદાય આંચકાજનક હોવાનું સારસ્વતમના પ્રમુખ વિજયલક્ષ્મી શેઠ, માનદ્મંત્રી શિવદાસ પટેલ, વહીવટી અધિકારી મુલેશ દોશીએ જણાવ્યું હતું. કચ્છના વિનાશક વાવાઝોડા અને ભૂકંપ વખતે તેમણે શ્રૃજન નામની સંસ્થા દ્વારા હસ્ત કારીગરી માટે વિશેષ સેવા તેમજ ભૂકંપ બાદ 20 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓને એક મંચ હેઠળ જોડી કચ્છ નવનિર્માણ અભિયાન સંસ્થાની સ્થાપના કરી હતી અને કાકા 98 વર્ષની જૈફ વયે પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતાં વિકાસલક્ષી કાર્યોમાં સતત પ્રવૃત રહ્યા અને સૌને માર્ગદર્શન આપતા રહ્યા હોવાનું ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ જણાવી તેમની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાંતિસેન શ્રોફ મારી દૃષ્ટિએ `ક્રાંતિસેન' હતા તેવું ચંદ્રકાન્ત ગોગરીએ જણાવી ઉદ્યોગ અને સંસ્થાકીય ક્ષેત્રે એમનો અભિગમ પરકાજનો જ રહ્યો હતો. તેમના સત્કર્મોને આગળ ધપાવીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. કચ્છના ભીષ્મ પિતામહ અને એક નિષ્ઠાવાન કર્મયોગીની ખોટ પડી હોવાનું સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું. માંડવીના વિઝયુઅલના કલાકારો વતી ડો. આર.વી. બસિયા અને ભુજના વરિષ્ઠ ધારાશાત્રી શંકરભાઈ સચદેએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની કાકાની ભાવના પ્રેરણા આપતી રહેશે તેવું જણાવ્યું હતું. વી.આર.ટી.આઈ.ની સ્થાપના માંડવી મુકામે કરી અને તેમાં સંશોધનોને મહત્ત્વ આપી કૃષિમાં ક્રાંતિ કરી, એટલે એ કૃષિઋષિ તરીકે જાણીતા બન્યા હોવાનું એમને અંજલિ આપતાં ભુજના પ્રા. પવનકુમાર ભાનાણી તથા સંસ્કારભારતી કચ્છ વિભાગના સંયોજક પંકજ ઝાલા, ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ કે. કે. હીરાણી, ધનજીભાઈ ભાનુશાલી `કડક બંગાલી', માનવજ્યોતના પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોશી, રોયલ ફાઉન્ડેશનના અનવર નોડે, હરિસિંહ જાડેજા, વિનોદભાઈ શેઠ, વિરલ શાહ, કચ્છ ભાટિયા મહાજનના પ્રમુખ ચત્રભુજભાઈ ધમાણી, મંત્રી કૃષ્ણકાંત ભાટિયા, ઉપપ્રમુખ વિનયભાઈ કાનાણી, ખજાનચી ભરતભાઈ વેદે જણાવ્યું હતું. મૃત્યુની શાંતચિત્તે સહર્ષ પ્રતીક્ષા કરતા આજે શ્રદ્ધેય કાંતિસેન કાકાએ વિદાય લીધી. આઠમી માર્ચથી પરિવારજનોની સહમતી મેળવીને અન્ન ત્યાગ કરનારા કાકા જીવંત દંતકથા સમાન વ્યક્તિત્વ હતા તેવા શબ્દો સાથે અંજલિ આપતાં કાકાની નિયમિત સારવાર કરનારા ડો. મુકેશ ચંદેએ કહ્યું હતું કે, છેલ્લા 44 દિવસથી માત્ર પાણી પર જીવન ટકાવનારા કાંતિસેન શ્રોફના નિ:શબ્દ અંતિમ દર્શન કરીને જીવનબળની પ્રેરણા મળી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer