બિદડા સર્વોદય ટ્રસ્ટ કોરોના સંક્રમિતોની મદદે આવ્યું

બિદડા સર્વોદય ટ્રસ્ટ કોરોના સંક્રમિતોની મદદે આવ્યું
ભુજ, તા. 13 : સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે કચ્છની જાણીતી આરોગ્ય સંસ્થા બિદડા સર્વોદય ટ્રસ્ટ પણ કોરોનાના દર્દીઓને મદદરૂપ થવા જવાબદારી નિભાવી રહી છે. સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું કે, અહીં આવતા દર્દીઓમાં કોરોનાના લક્ષણ જણાય તો સંસ્થાના ડોકટર દ્વારા દર્દીને તપાસી જરૂર મુજબની દવા આપી હળવા લક્ષણવાળા દર્દીઓને હોમ ક્વોરન્ટાઈનની સલાહ આપવામાં આવે છે અને જો દર્દીમાં કોરોનાના વધુ લક્ષણ જણાય તો પ્રથમ સીટી સ્કેન માટે નજીકમાં માંડવી મોકલવામાં આવે છે. ત્યાર બાદ કોરોના હોસ્પિટલ જેવી કે ભુજ સિવિલ હોસ્પિટલ, એંકરવાલા હોસ્પિટલ મસ્કા, માંડવી, મુંદરા, અંજાર, ગાંધીધામ વગેરે જગ્યાએ બેડની વ્યવસ્થા કરી, ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને પહોંચાડવામાં આવે છે. ઓક્સિજનની સગવડ, રીફીલ કરવાની સગવડ પણ કરી આપવામાં આવે છે. આ કોરોનાના દર્દીઓ માટેની સગવડ ભરત સંગાર સંભાળે છે. છેલ્લા 1 મહિનામાં 22 સીટી સ્કેન, 17 દર્દીને હોસ્પિટલમાં દાખલ, 10 દર્દીને ઓક્સિજન અને 15 દર્દી માટે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. આવું કાર્ય શરૂઆતથી જ કરવામાં આવે છે. લોકડાઉનમાં પણ દવાખાના વિભાગની સેવાઓ કાર્યરત હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા બે વખત તા. 30 જાન્યુઆરીના 138 અને તા. 6 માર્ચના 169 જણાને કોવીશીલ્ડ રસી તલવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી મૂકવામાં આવેલું જેનું આયોજન સૈયદ ગુલામમુસ્તફા દ્વારા કરાયેલું. હાલમાં બિદડા હોસ્પિટલમાં આંખ, દાંત, જનરલ દવાખાનું, ગાયનેક, યુરોલોજી, લેબોરેટરી અને એક્સ-રે વિભાગ ઉપરાંત સાધુ સાધ્વીજી માટે સારવાર કેન્દ્ર, દિવ્યાંગો માટે જયા રીહેબિલીટેશન સેન્ટર તથા રતનવીર કુદરતી ઉપચાર કેન્દ્ર અને તારામતી વેલનેસ સેન્ટરમાં અંદાજે 300 ઉપરાંત વ્યક્તિઓ દૈનિક નિયમિત લાભ લઈ રહી છે. અહીં કોરોનાનું સંક્રમણ કેવી રીતે રોકવું તે મુજબનું માર્ગદર્શન ઉપરાંત કોરોના પછીની સારવાર જેવી કે ઈમ્યુનિટી વધારવી, ફેફસાં મજબૂત કરવાં, શ્વાસ લેવામાં પડતી તકલીફમાં શું કરવું અને કોરોના પછીની અન્ય તકલીફ વિશે જયા રિહેબના પલ્મોનરી વિભાગમાં ડો. દેવલ પાઠક દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. તારામતી વેલનેસ સેન્ટરના ડો. શાંતાનુ મિશ્રા ઓન લાઈનના માધ્યમથી કોરોના સામે લડવા શારીરિક અને માનસિક સંતુલન જાળવવા દેશી ઈલાજો અને ખાવા-પીવાની કાળજી અને યોગિક પ્રક્રિયાઓ વિશે સમજણ આપી રહ્યા છે. સંસ્થા દ્વારા અહીં આવતા દર્દીઓ ઉપરાંત બરદાસી તથા જરૂરતમંદોને માસ્ક, સેનિટાઈઝર રાહતના દરે આપવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા અવાર-નવાર કોરોના વિશે નિષ્ણાતો દ્વારા વેબિનાર પણ યોજવામાં આવે છે. માનવસેવાના કાર્યમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ હરહંમેશ જવાબદારી નિભાવે છે. આ કાર્યમાં સંસ્થાના સ્થાનિક ટ્રસ્ટીઓ શાંતિભાઈ વીરા, ડો. મયૂર મોતા ઉપરાંત મુંબઈથી સતત સંપર્કમાં રહેતા ટ્રસ્ટીઓ પીયૂષ સાવલા, હેમંત રાંભિયા, શરદ રાંભિયા, રમેશ મહેતા, હિતેશ વીરા, અરવિંદ શાહનો સાથ મળતો રહ્યો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer