કોરોનાકાળમાંયે વીરાયતન લોકોની પડખે

કોરોનાકાળમાંયે વીરાયતન લોકોની પડખે
કોડાય (તા. માંડવી), તા. 13 : કોરોનાની મહામારીમાં લોકોના વ્યાપાર-ઉદ્યોગ પડી ભાંગ્યા છે ત્યારે લોકસેવાનાં કાર્યો સાથે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે. ભૂકંપ વખતે કચ્છમાં શિક્ષણક્ષેત્રે યોગદાન આપનારી વીરાયતન વિદ્યાપીઠ જરૂરતમંદોની વહારે આવતાં ત્રણ હજાર રાહત કિટ વિતરણ કરાશે. આ સેવાકાર્યનો પ્રારંભ સંસ્થાના સાધ્વી શિલાપીજી મ.સા. અને અનિલભાઈ જૈનના હસ્તે રાહત સામગ્રી કિટના વિતરણ સાથે કરાયો હતો. શિલાપીજી મ.સા.ના જણાવ્યા મુજબ કોડાય, તલવાણા, નાના આસંબિયા, મોટા આસંબિયા, કંઢરાઈ ચોકી અને રુદ્રાણી ખાતે જરૂરતમંદોને ત્રણ હજાર જેટલી રાહત સામગ્રી કિટ જેમાં માસ્ક, સાબુ, સેનિટાઈઝર, ચા, તેલ, દાળ, ચોખા, ખાંડ, 5 કિ.ગ્રા. લોટ સાથેની કિટ વિતરણ કરાશે. જરૂરી દવાઓ સાથેની ત્રણ હજાર હેલ્થકિટ પણ લોકોને અર્પણ કરાશે અને આજુબાજુની ગ્રામ પંચાયતોને ઓકિસમીટર, થર્મોમીટર પણ અપાશે જેથી લોકોના આરોગ્યની સારસંભાળ વધુ સારી રીતે થઈ શકે. સાધ્વી શિલાપીજી મ.સા.એ. ભૂકંપ વખતે જેવી રીતે કચ્છની ભાવિ પેઢીના શિક્ષણની ચિંતા સાથે વીરાયતને આગવી પહેલ કરી હતી તેવી જ રીતે કોરોનાના ભોગગ્રસ્ત વિદ્યાર્થીઓ અને યુવાઓના શિક્ષણ માટે વીરાયતન હાથ લંબાવશે અને રહેવા-જમવાની નિ:શુલ્ક સગવડ સાથે શિક્ષણ ઉપલબ્ધ કરાવશે તેમ કહ્યું હતું. વીરાયતનના વ્યવસ્થાપક અનિલભાઈ જૈન કોરોનાના કપરા સમયમાં જરૂર પડે આગામી સમયમાં વધુ સેવાકાર્યો કરવા સાથે વીરાયતન માનવતાને વધુ મહેકાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer