નવાનગર બસ સ્ટેશનની સામે જ સરકારી જમીનમાંથી ખનિજચોરી

નવાનગર બસ સ્ટેશનની સામે જ સરકારી જમીનમાંથી ખનિજચોરી
દયાપર (તા. લખપત), તા. 13 : લખપત તાલુકાની ઔદ્યોગિક વસાહત વર્માનગર પાસે આવેલા નવાનગર ગામની બસ સ્ટેશનની સામે `રોડટચ' બની રહેલા કોમ્પ્લેક્સના બાંધકામની ભરતી માટે સરકારી જમીનમાં ત્રણ જેસીબી અને 25 ટ્રેક્ટરોથી મોરમની ચોરી કરાતાં ગામલોકોએ મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટરને આ બાબતે લેખિત ફરિયાદ કરી પરિણામે ખાણ ખનિજ કચેરી દ્વારા સ્થળ પર સર્વે અને રોજકામ કરાયું હતું. નવાનગર બસ સ્ટેશન પાસે એક ઠેકેદાર કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે. `વગવાળા' આ આગેવાને 25 ટેક્ટરોને કામે લગાડી નજીકમાંથી જ મોરમ ખનિજ ઉપલબ્ધ હોઈ કામ ચાલુ કરતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને અધિકારીઓ પાસે રજૂઆત કરી આ કામ અટકાવ્યું હતું. ગામલોકોએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, આ કોમ્પ્લેક્સના માલિકને ખનિજચોરીનો 10ગણો દંડ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે, જ્યાંથી આ ભૂમાફિયાઓ મોરમ ખનિજ ચોરી કરે છે તેના નીચે બેન્ટોનાઈટ તેમજ કિંમતી ખનિજો આવેલાં છે, ત્યારે સરકાર અને તંત્રની મીઠી નજર હેઠળ આ કામ કોઈ અટકાવતું નથી. અગાઉ અહીં મોટા ટેકરાવાળી જમીન હતી, જ્યાં ખાડાઓ કરી નાખ્યા છે, મોટા જથ્થામાં ઉત્ખનન થયેલું છે. આ બાબતે ખાણ-ખનિજ ખાતાના સર્વે કરવા આવેલા અધિકારીઓનો સંપર્ક ?કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે જમીનમાંથી મોરમનો મોટો જથ્થો ઉત્ખનન કરવામાં આવ્યો છે તેની તપાસ થશે કે આ જમીન કોની છે, બાદમાં વિભાગના વડાને રિપોર્ટ આપશે. ગામના આક્ષેપ અનુસાર ખાણ-ખનિજ ખાતાની મિલીભગત તેમજ પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ આ કામ ચાલુ હતું. આ ઠેકેદારે અગાઉ નાની વિરાણીની નદીમાંથી પુષ્કળ રેતીનો જથ્થો રાતોરાત મશીનરીથી ઉપાડયો હતો. પોલીસ તંત્ર દ્વારા નાની વિરાણી હોય કે નવાનગર `મીઠી નજર' તળે ચાલી રહ્યું છે. ખાણ ખનિજના ભૂસ્તરશાત્રી વાય.કે. મહેતાનો સંપર્ક કરતાં નો રિપ્લાય આવતો હતો. ગ્રામજનોએ નામના ઉલ્લેખ સાથે રજૂઆત કરી છે ત્યારે તંત્ર દ્વારા અહીં રોજકામ તો કરાયું છે પરંતુ રાજકીય ઓથનાં કારણે ભીનું સંકેલાય તેવી ગ્રામજનોને દહેશત છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer