આઈસીસીના વાર્ષિક અપડેટ બાદ ટીમ ઈન્ડિયા ટોચ પર

દુબઇ, તા.13: આઇસીસીએ આજે ટીમ ક્રમાંકના વાર્ષિક અપડેટ જાહેર કર્યાં છે. જેમાં ટીમ ઇન્ડિયા 121 રેટિંગ સાથે ટેસ્ટ ક્રમાંકમાં ટોચ પર યથાવત છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 120 રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ બન્ને ટીમ વચ્ચે 18થી 22 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મેચ સાઉથમ્પટન ખાતે રમાવાનો છે. ભારતીય ટીમના 24 મેચમાં 2914 પોઇન્ટ(121 રેટિંગ) છે. જ્યારે ન્યુઝીલેન્ડના 18 મેચમાં 2166 (120 રેટિંગ) પોઇન્ટ છે. બન્ને ટીમની આસપાસ પણ કોઇ નથી. 109 રેટિંગ સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 108 રેટિંગ સાથે ચોથા નંબર પર છે. પાકિસ્તાનની ટીમને દ. આફ્રિકા અને ઝિમ્બાબ્વે વિરૂધ્ધ સતત ચાર જીતનો ફાયદો થયો છે. પાક. ટીમ 3 રેટિંગના વધારા સાથે કુલ 94 રેટિંગ સાથે પાંચમા નંબર પર છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ 8માંથી છઠ્ઠા નંબર(84 રેટિંગ)પર પહોંચી છે. તેને બંગલાદેશ સામે 2-0ની જીત અને શ્રીલંકા વિરૂધ્ધ ડ્રો સિરીઝ કરવાનો ફાયદો મળ્યો છે. 2013 બાદ વિન્ડિઝની આ બેસ્ટ રેન્કિંગ છે. આ પછી અનુક્રમે દ. આફ્રિકા (80 રેટિંગ), શ્રીલંકા (78 રેટિંગ), બંગલાદેશ (46 રેટિંગ) અને 10મા સ્થાને ઝિમ્બાબ્વે (3પ રેટિંગ) છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer