રમેશ પોવાર ફરી મહિલા ક્રિકેટ ટીમના કોચ

નવી દિલ્હી, તા. 13 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ પદે ફરી એકવાર પૂર્વ લેગ સ્પિનર રમેશ પોવારની નિયુકિત નિશ્ચિત બની છે. ક્રિકેટ સલાહકાર સમિતિએ આજે પોવારનું નામ કોચપદે બીસીસીઆઇને સૂચવ્યું છે. રમેશ પોવાર ડબ્લ્યૂવી રમણનું સ્થાન લેશે. પોવાર આ પહેલા મહિલા ટીમના કોચની જવાબદારી સંભાળી ચૂકયા છે. જો કે 2018ના ટી-20 વર્લ્ડ કપ વખતે મિતાલી રાજ સાથેના વિવાદને લીધે તેને પદ ગુમાવવું પડયું હતું. પૂર્વ ખેલાડી મદનલાલની આગેવાનીમાં ક્રિકેટ કમિટિએ આ પદ માટેના ઇન્ટરવ્યુ લીધા હતા. જેમાં હાલના કોચ રમણ અને પોવાર સહિત 8 ઉમેદવારે ઇન્ટરવ્યુ આપ્યા હતા. બાદમાં કમિટિએ રમશે પોવારના નામની બીસીસીઆઇને ભલામણ કરી છે. પૂર્વ વિકેટકીપર અજય રાત્રા ઉપરાંત પૂર્વ મહિલા પસંદગીકાર હેમલતા કાલા પણ હરીફાઇમાં હતા. 2018માં વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો. ત્યારે સેમિ ફાઇનલમાં અનુભવી મિતાલી રાજને ઇલેવનમાંથી પડતી મુકાઇ હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમને 8 વિકેટે કારમી હાર મળી હતી. બે મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર મિતાલીને પડતી મૂકવા પર ભારે વિવાદ થયો હતો. બાદમાં મિતાલીએ કોચ પોવાર પર પક્ષાપક્ષીના આરોપ કર્યાં હતા. આ વિવાદ બાદ પોવારે કોચપદ છોડવું પડયું હતું, પણ હવે બે વર્ષ બાદ ફરી તેઓ મહિલા ટીમના હેડ કોચ બન્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer