પીધેલા પકડાયેલા આરોપી પાસે સુરાગ મેળવી 58 હજારનો શરાબ ઝડપાયો

ભુજ, તા. 13 : મુંદરા તાલુકાનાં લુણી ગામના રેલવે ફાટક પાસેથી પેટ્રોલિંગ દરમ્યાન નશાયુક્ત હાલતમાં ઝડપાયેલા શખ્સ પાસે કડીબદ્ધ વિગતો મેળવી મુંદરા મરિન પોલીસે પગેરું દબાવવા સાથે મુંદરા તાલુકાનાં શેખડિયા ગામે ગાય-ભેંસના વાડામાંથી રૂા. 57,600ની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો દારૂ ઝડપી પાડયો હતો. પ્રકરણમાં બે જણની ધરપકડ કરાઇ હતી, જ્યારે સૂત્રધાર આરોપી હાથમાં આવ્યો ન હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ, આ પ્રકરણમાં હમીરામોટા (મુંદરા)ના રાઘા ડોસા પારાધી તથા શેખડિયા ગામના ગોકુલ પબુ ગઢવીની ધરપકડ કરાઇ હતી, જ્યારે મુખ્ય આરોપી શેખડિયાનો મંગા કાના ગઢવી કાર્યવાહી સમયે હાથમાં  આવ્યો ન હતો. પોલીસે રૂા. 57,600ની 144 બાટલી શરાબ કબ્જે કર્યો હતો.આ પ્રકરણમાં પહેલાં લુણી રેલવે ફાટક પાસેથી રાઘા ડોસાને નશાયુક્ત હાલતમાં બાઇક ઉપર જતાં પકડયો હતો. તેની પૂછતાછમાં તેણે દારૂની બાટલી શેખડિયા ખાતેથી ગોકુલ પબુભાઇ પાસેથી લીધાની કેફિયત આપતાં પોલીસે શેખડિયા ધસી જઇને ગોકુલને તેના ગાય-ભેંસના વાડામાંથી 144 બાટલી સાથે પકડી પાડયો હતો. દારૂનો આ જથ્થો મંગા કાનાનો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. કાર્યવાહીમાં સબ ઇન્સ્પેક્ટર જી.વી. વાણિયા સાથે સ્ટાફના સુરેશભાઇ યાદવ, સિદ્ધરાજાસિંહ ઝાલા, મુકેશ ચૌધરી, રવજીભાઇ રબારી વગેરે જોડાયા હતા. ત્રણેય આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer