રાત્રિ કર્ફ્યૂ અને પાબંધીઓ ન હોવા છતાં અંજારમાં લોકોને પોલીસની કોચવણ

અંજાર, તા. 13 : કોરોના મહામારીના વર્તમાન કપરા કાળમાં જિલ્લાના આ ઐતિહાસિક શહેર માટે રાત્રિ કર્ફ્યૂનું કોઇ જાહેરનામું તથા અન્ય નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા નથી. આમ છતાં પોલીસ તંત્ર યેનકેન પ્રકારે નિયમોના બહાને શહેરીજનોને પરેશાન કરી રહ્યું હોવાની ફરિયાદો ધીરે ધીરે વ્યાપક બની રહી છે. રાજ્યના જે 36 શહેરો માટે સરકાર દ્વારા આદેશો લાગુ કરાયા છે તેમાં અંજારનો સમાવેશ થતો નથી. વેપારીવર્ગ પણ સ્વંય રાત્રે આઠ વાગ્યા બાદ વેપાર-વ્યવસાય બંધ કરી નાખે છે. આમ છતાં પોલીસ દ્વારા ખોટી કડકાઇ સાથે કનડગત અને શિક્ષાત્મક કાર્યવાહી થઇ રહી હોવાની રાડ સાંભળવા મળી રહી છે. માસ્ક અને સામાજિક અંતરની જાળવણી સહિતના મુદ્દે નિયમો બતાવીને આ પરેશાની કરાતી હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ ઊભરી આવી છે કે દિવસ દરમ્યાન પોલીસને નિયમોની અમલવારી યાદ આવતી નથી અને રાત પડતાં જ દંડો પછાડવામાં આવી રહ્યો છે. રાત્રે હરવા-ફરવાની પાબંધી ન હોવા છતાં લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે, જે અયોગ્ય હોવાનો મત શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer