શિપિંગ કોર્પોરેશને કર્યો ઐતિહાસિક નફો

ગાંધીધામ, તા.13 : શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસ.સી.આઈ.)ની આજે મુંબઈ ખાતે મળેલી ઓડિટ કમિટીની બેઠકમાં કમિટીના કચ્છી અધ્યક્ષ માવજીભાઈ સોરઠિયાએ કંપનીના વર્ષ 2020-21ના ઐતિહાસિક એવા 618 કરોડના નફાની જાહેરાત કરી હતી. જેને વધાવી લેવાઈ હતી. અંજારના માજી નગરપતિ અને ડીપીટીના માજી ટ્રસ્ટી શ્રી સોરઠિયાએ જણાવ્યું હતું કે, એસ.સી.આઈ.એ વર્ષ 2020-21 દરમ્યાન 618.10 કરોડનો નફો કર્યો છે. ભારત સરકારના નવરત્ન પૈકીની એક એવી આ વિશ્વસ્તરીય કંપની 1960માં અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2018-19માં આ કંપનીએ આશરે 120 કરોડનું નુકશાન કર્યું હતું. શિપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વર્ષ 2019માં આ નુકશાનવાળી કંપનીની ઓડિટ કમિટીના અધ્યક્ષપદે શ્રી સોરઠિયાની નિયુક્તિ કરીને સી.એ. તરીકેની આવડતનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. કંપનીમાં જરૂરી સુધારા વધારા સાથે વર્ષ?2019-20માં એટલે કે બીજાં જ વર્ષે 320 કરોડનો નફો કર્યો હતો. અગાઉના વર્ષનું 120 કરોડનું નુકશાન પસાર કરી રૂા. 320 કરોડનો ચોખ્ખો નફો દર્જ કર્યો હતો. ચાલુ વર્ષે તો કોવિડ-19 જેવી મહામારીના કપરા સમયમાં પણ વર્ષ?2020-21 માટે ઐતિહાસિક એવો રૂા. 618.10 કરોડનો નફો નોંધાતાં ગત વર્ષ કરતાં બમણી સિદ્ધિ મેળવાઈ હતી. શ્રી સોરઠિયાએ આ માટે બંને સ્ટેચ્યુટરી ઓડિટર, સી.એમ.ડી. તથા કમિટીના સભ્યો પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer