કચ્છના શ્રેષ્ઠ પશુપાલકોને એવોર્ડ આપી નવાજાશે

ભુજ, તા. 13 : પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એવોર્ડના વિતરણ-સમારોહનું આયોજન કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એવોર્ડના વિતરણની કામગીરીનું અમલીકરણ નાયબ પશુપાલન નિયામકની કચેરી, ઘનિષ્ઠ પશુ સુધારણા દ્વારા કરવામાં આવશે. દર વર્ષની શરૂઆતમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થાય છે. 15થી વધુ શુદ્ધ ઓલાદના પશુઓ ધરાવતા પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકશે. કચ્છ જિલ્લાના તમામ  તાલુકામાંથી આવેલી અરજીઓની જિલ્લા કક્ષાની કમિટી દ્વારા પશુ સંવર્ધન-કૃત્રિમ બીજદાન, પશુની ઓલાદ સુધારવા માટે, પશુ આરોગ્ય-વિવિધ રોગો સામે રસીકરણ કરાવવું, પશુ માવજત-પાકા શેડ પશુઓ માટે બનાવવા જેથી કરીને પશુઓને શિયાળે ઠંડી, ઉનાળે-ગરમી અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મળી રહે. આ વ્યવસાયને આવકની શ્રેણીમાં લઈ જવા માટે જરૂરી ખર્ચ અને આવકના હિસાબો રાખવા, દૂધ મંડળીઓમાં દૂધ ભરાવી સભ્યપદ મેળવવું, ખાતર અને ગૌમૂત્રનો ખેતીમાં અથવા ઔષધીય ઉપયોગ કરવા જેવા આ તમામ મુદ્દાઓ ધ્યાને લઈ આધુનિક અભિગમ સાથે પશુપાલન કરતા પશુપાલકોને અગ્રતાક્રમ આપી તાલુકાના શ્રેષ્ઠ પશુપાલક પસંદ કરવામાં આવે છે. જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક વિભાગીય કક્ષાની કમિટી દ્વારા પસંદ કરવામાં આવે છે અને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક રાજ્ય કક્ષાની કમિટી દ્વારા પસંદ કરવામાં આવે છે. નાયબ પશુપાલન નિયામક ડો. વી.ડી. રામાણી, મદદનીશ પશુપાલન નિયામક જૂથ મથક વિથોણ ખાતેના ડો. વી.જે. પટેલ તથા મદદનીશ પશુપાલન નિયામક જૂથ મથક ગળપાદર ખોતના ડો. એન.એન. પટેલ તથા દરેક તાલુકા ખાતેના ઉપકેન્દ્રોના પશુધન નિરીક્ષકો દ્વારા કચ્છ જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક કામગીરીનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ પ્રથમને રૂા. 50,000, દ્વિતીયને રૂા. 30,000, તૃતીયને રૂા. 20,000, જિલ્લા કક્ષામાં પ્રથમને રૂા. 15,000, દ્વિતીયને રૂા. 10,000, તો તાલુકા કક્ષાએ પ્રથમને રૂા. 10,000 અને દ્વિતીય રૂા. 5,000નો પુરસ્કાર અપાય છે. વર્ષ 2020-21ના રાજ્યના તૃતીય કક્ષાનો એવોર્ડ રૂા. 20,000 ભુજ તાલુકાના ચુબડક ગામના અશોકભાઈ ચમનલાલ શર્માને મળેલો છે. આ એવોર્ડ સુશાસન દિવસની ઉજવણી વખતે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે આપવામાં આવ્યો હતો. પ્રથમ જિલ્લા કક્ષા એવોર્ડ રૂા. 15000 મુંદરા તાલુકાના મોટી ભુજપર ગામના રેખાબેન અમરતભાઈ રૂડાણી અને દ્વિતીય જિલ્લાકક્ષા એવોર્ડ રૂા. 10,000 અંજાર તાલુકાના અંજાર શહેરના મિલન લક્ષ્મણદાસ ભોજવાણીને  મળેલો છે. આગામી વર્ષ માટે કચ્છ જિલ્લાના પશુપાલકોને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુપાલન એવોર્ડ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે અથવા વધુ માહિતી માટે નજીકના પશુપાલન કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે એમ નાયબ પશુપાલન નિયામક ડો. વી.ડી. રામાણીની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer