દબાણો દૂર ન કરાય તો કચ્છની 20 પંચાયતને સુપ્રીમ કોર્ટમાં લઇ જવાશે

મુંબઇ, તા. 13 : કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારના જુદા જુદા વીસ ગામોમાં કરવામાં આવેલા દબાણો આગામી 30 દિવસમાં દૂર કરવામાં ન આવે તો આ તમામ ગામોની ગ્રામ પંચાયતોને દેશની સર્વોચ્ચ અદાલતમાં ઘસડી જવાની તૈયારી કચ્છ લડાયક મંચ દ્વારા બતાવાઇ છે. પશ્ચિમ કચ્છના આ ત્રણ તાલુકાના આ 20 ગામોની સરકારી - પડતર, ખરાબા, ગૌચર અને તળાવોની જમીનો ઉપર વ્યાપક પ્રમાણમાં દબાણો થયાની ફરિયાદો મળ્યા બાદ મંચ દ્વારા આ બાબતે તપાસ કરાવી જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે અને આ પછી પંચાયતોને સુપ્રીમ કોર્ટમાં લઇ જવાશે તેમ જણાવ્યું છે.  મંચના સ્થાપક પ્રમુખ રમેશભાઇ જોશીએ એક યાદીમાં આ વિગતો આપતાં જણાવ્યું હતું કે આવાં દબાણો દૂર કરવા જે તે ગ્રામ પંચાયતની જવાબદારી છે, પણ પંચાયતો આવી કાર્યવાહી કરતી ન હોવાથી સર્વોચ્ચ અદાલતના એક ચુકાદા અન્વયે મંચે આ કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું છે. સબંધિત 20 ગામમાં સુથરી, નલિયા, બિટ્ટા, બાલાપર બુડધ્રો, કોઠારા, તેરા, લઠેડી, સાંધાણ તથા નખત્રાણા તાલુકાના નેત્રા, નખત્રાણા, રવાપર અને લખપત તાલુકામાં દયાપર, ઘડુલી ગામોનો સમાવેશ થતો હોવાનું યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer