ભચાઉમાં છ જણે દંપતી ઉપર હુમલો કરતાં ચકચાર

ગાંધીધામ, તા. 13 : ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં શેરીમાંથી ચારચક્રીય વાહન ધીમે ચલાવવાનું કહેતાં છ શખ્સોએ એક દંપતી ઉપર હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ દંપતીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા સામજી રામજી મેરિયા નામના યુવાન ગત તા. 11/5ના સાંજે ઘરે હતા ત્યારે શેરીમાંથી ચારચક્રી વાહન ધીમે ચલાવવા આ ફરિયાદીએ ખાનજી ગોકર ફફલને કહ્યું હતું આ મુદે આ બંનેની અગાઉ પણ બોલાચાલી થઈ હતી. દરમ્યાન બનાવના દિવસે રાત્રે આ ફરિયાદી  સામજી મેરિયા તેમની પત્ની ને બાળકો ઘરની છત ઉપર હતા ત્યારે તેમના ઘરનો દરવાજો તોડી ખાનજી ફફલ, તેના બે દીકરા પ્રતિક, વિકાસ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી આવી છત ઉપર આવ્યા હતા અને તલવાર વગેરે હથિયારો લઈ આવેલા આ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં સામજી મેરિયા તથા તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી. મહિલાને પગમાં અસ્થિભંગ તથા ફરિયાદીને માથા, હાથ, પગ વગેરે જગ્યાએ ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ દંપતીને સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer