બેન્ક ધિરાણની મુદ્દત વધારવા અને ખાતર ભાવવધારા સામે કિસાનોની લડત

ભુજ, તા. 13 : ભારતના અર્થતંત્રનો મૂળ આધાર કૃષિ-કિસાન છે ત્યારે કોરોના વિપરીત સંજોગો વચ્ચે રાષ્ટ્રીયકૃત બેન્ક ધિરાણની મુદ્દત વધારવા હજુ સુધી કોઇ જાહેરાત નથી થઇ. ઉપરાંત 60 ટકા જેટલા રાસાયણિક ખાતરમાં ભાવવધારા જેવા વિવિધ પ્રશ્ને કિસાનોએ લડત આદરી છે અને 17મીના રાજ્યના જિલ્લા કલેક્ટરોને  આવેદનપત્ર પાઠવવા ભારતીય કિસાન સંઘે એલાન  કર્યું છે. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઇ દૂધાત્રા તથા પ્રદેશ મહામંત્રી બી. કે. પટેલ એક સંયુકત અખબારી યાદીમાં  જણાવ્યું છે કે, કોરોનાની આપાતકાલીન પરિસ્થિતિ વચ્ચે તમામ અગ્રીમતા કોરોના ધ્યાને લઇ આપવી જ જોઇએ અને અપાઇ?રહી છે, પરંતુ ભારતના અર્થતંત્રનો મૂળ આધાર જ કૃષિ-કિસાન છે તો તેની કોરોના વચ્ચે આપવીતીને પણ ધ્યાને લેવી જોઇએ, પરંતુ કિસાન હાલ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. શહેરો કરતાં ગામડાંઓમાં  પ્રાથમિક આરોગ્ય સેવાઓ કોવિડ સહિત પૂરતા પ્રમાણમાં નથી અને અસહ્ય સ્થિતિનું નિર્માણ થઇ?રહ્યું છે. બીજી બાજુ કિસાનોની જણસો ઘઉં, ચણા, ડાંગર ખરીદી પણ?ઓચિંતાની અટકાવી દેવાઇ છે. માર્કેટયાર્ડો પણ 18મી સુધી બંધ રાખવા આદેશો કરાયા છે, પરંતુ સામે રા. કૃત બેન્કોમાંથી જેમણે ધિરાણ લીધું છે તેમને ભરવાની મુદ્દત વધારાની કોઇ જાહેરાત કેમ કરવામાં નથી આવી રહી ? ભારત સરકારમાં ગુજરાતના તમામ મંત્રીઓ અને સાંસદ પણ પત્રો પાઠવવા છતાં કોઇ જ પરિણામ નથી. બીજી તરફ રા.સા. ખાતરમાં 60 ટકા જેટલો ભાવવધારો ઝીંકી દેવાતાં કિસાનો સ્તબ્ધ છે. આ કુઠારાઘાત સમાન ભાવવધારા પછી પણ ઘણી જગ્યાએ ખાતર ન મળવાની પણ ફરિયાદો ઊઠી છે. આવી દયનીય પરિસ્થિતિ વચ્ચે સમીક્ષા કરીને ધીમે-ધીમે સંપૂર્ણ સલામતી અને ગાઇડલાઇન સાથે ટેકાની ખરીદી અને એપીએમસી શરૂ કરવા વિચારવાની પણ ભા.કિ.સંઘ સરકારને રજૂઆત કરે છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભા.કિ. સંઘ દ્વારા સમગ્ર રાજ્યભરમાં  તા. 17/5ના સોમવારે તમામ જિલ્લા કલેક્ટર મારફત માત્ર બે જ પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી, ના. મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને સંગઠન સાથે ઓનલાઇન મિટિંગ કરવા પણ રજૂઆત થઇ હોવાનું યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer