નારણસરીમાં બાળકને બંધક બનાવી છ લાખની લૂંટ, પણ પોલીસમાં `નીલ''

ગાંધીધામ, તા. 13 : ભચાઉ તાલુકાના નારાણસરી ગામમાં એક મુંબઈગરાના ઘરમાં ઘૂસી એક બાળકને બંધક બનાવી મકાનમાંથી રૂા. છએક લાખની મતાની લૂંટના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી, પરંતુ ગમે તે કારણે આ બનાવ પોલીસના ચોપડે ચડયો ન હતો. નારણસરીનું એક કુટુંબ લગ્ન પ્રસંગે મુંબઈથી પોતાના વતન આવ્યું હતું. ગઈકાલે સાંજે આ કુટુંબ પોતાના વતન આવી પહોંચ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પરિવારના અમુક લોકો રાત્રિના ભાગે જમી પરવારીને ઘરની છત ઉપર હતા તો અમુક ગામમાં હતા. દરમ્યાન છત ઉપર આવેલી પાણીની ટાંકી ઉભરાઈ જતાં વીજ મોટર કે ટી.વી. બંધ કરવા એક બાકળને નીચે મોકલવામાં આવ્યું હતું. આ બાળક નીચે આવતાં અંદર પહેલેથી બુકાનીધારી શખ્સો હાજર હતા. ઘરમાં કાંઈ ફંફોસતા આ શખ્સો જાણાતાં બાળક અંદર ગયું હતું. આ બુકાનીધારી શખ્સોએ બાળકનું મોઢું બંધ કરી તેને બંધક બનાવ્યો હતો અને બાદમાં ઘરમાંથી દાગીના અને રોકડા રૂપિયા એમ કુલ રૂા. છએક લાખની મતા ઉસેડીને નાસી ગયા હતા. આ બનાવ બાદ બાળકે બહાર આવી રાડારાડ કરતાં સૌ ભેગા થયા હતા. અલબત્ત, આ નિશાચરો નાસી જવામાં સફળ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ અહીં આવી પણ હતી, પરંતુ ગઈકાલ રાતના આ ચકચારી બનાવ અંગે આજે રાત સુધીમાં પોલીસના ચોપડે કાંઈ ચડયું નહોતું. પી.એસ.આઈ. વી. એલ. પરમારે આવું કાંઈ ન હોવાનું કહ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer