વરસામેડીમાં દૂધના કેરેટની નીચેથી 80 હજારનો શરાબ મળી આવ્યો

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના વરસામેડીમાં દૂધની આડમાં વેચાતો દારૂનો જથ્થો એલસીબીએ પકડી પાડયો હતો. છોટા હાથી છકડામાંથી રૂા. 79,800નો શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો પરંતુ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પૂર્વ કચ્છની સ્થાનિક ગુના શોધક શખ્સોની એક ટુકડી અંજાર બાજુ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી. આ ટીમ વરસામેડી ગામ પાસે પહોંચતાં એક છકડામાં દૂધના કેરેટની આડમાં દારૂ ભરીને એક શખ્સ ગામમાં ગયો હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. જુદા જુદા બે વાહનો સાથે આ ટીમ ગામના ગેઇટથી અંદર જઇ રબારીવાસમાં ગઇ હતી. છોટા હાથી છકડા નંબર જી.જે. 08 વાય. 8474 પાસે ઉભેલો ગામનો સચિન ઉર્ફે બાડો સાકરા રબારી નામનો શખ્સ પોલીસને આવતી જોઇ નાસવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ અંધારામાં વાંકીચૂકી ગલીઓનો લાભ લઇ આ શખ્સ ઓઝલ થઇ ગયો હતો. આ જગ્યા ઉપર ઉભેલા છોટા હાથી છકડાની પાછળ તલાશી લેવામાં આવી હતી. જેમાં અમૂલ દૂધના પ્લાસ્ટિકના પીળા રંગના 16 કેરેટ ભરેલા હતા. આ કેરેટ હટાવીને જોવાતાં નીચે દારૂના ખોખા નજરે પડયા હતા. છકડામાંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 એમ.એલ.ની 228 બોટલ કિંમત રૂા. 79,800નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથો સાથ છકડો, કેરેટ તથા છકડામાં રહેલું વીસા જેમલ રબારી નામનું પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંકના ચેકની ઝેરોક્ષ પણ કબજે લેવામાં આવી હતી. નાસી ગયેલો શખ્સ કયાંથી દારૂ લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. એલસીબીની આ કાર્યવાહીના પગલે હવે સ્થાનિકની કોની વિકેટ પડે છે તે જોવાનું રહ્યું તેવો ગણગણાટ પોલીસ બેડાંમાં થઇ રહ્યો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer