કડવા પાટીદારના 10પ યુગલે ઘરે ફેરા ફર્યા

વિથોણ (તા. નખત્રાણા) તા. 13 : હાલની પરિસ્થિતિને પગલે અખાત્રીજે કડવા પાટીદારના 10પ યુગલે ઘરે ફેરા ફર્યા હતા. ઢોલ - શરણાઈ કે લગ્નગીતો વિના લગ્નો યોજાયા સાથે સરકારની ગાઈડલાઈનનું પાલન થયું હતું. જો કે 2પ જણની મર્યાદિત સંખ્યાથી લગ્નમંડપે સૂના ભાસ્યા હતા. દર વર્ષે અખાત્રીજે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નો યોજાય છે, જેમાં દયાપર, રવાપર, નેત્રા, મથલ, કોટડા (જ.), વિરાણી મોટી, નખત્રાણા, વિથોણ, ગઢશીશા, માંડવી અને વાંઢાય-ઉમિયા માતાજી સંસ્થાન ખાતે સમૂહલગ્નો યોજાય છે. આ વર્ષ કોરોના મહામારીને કારણે જ્ઞાતિના તમામ સમૂહ આયોજનો હાલ પૂરતાં બંધ રખાયા છે. સમૂહલગ્ન સમિતિઓ દ્વારા મર્યાદિત સંખ્યામાં ઘરે જ લગ્નો કરવા જણાવેલું હતું. કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં સમૂહ આયોજનો શક્ય નથી અને સમૂહલગ્નોમાં નામ નોંધાવ્યા સિવાયના અનેક યુગલે અખાત્રીજના મુહૂર્તે પરણવા તૈયારી બતાવતાં જ્ઞાતિના 10પ યુગલે ઘરઆંગણે ચાર ફેરા ફરીને લગ્નના પવિત્રબંધને બંધાયા હતા. લખપત તાલુકા કડવા પાટીદાર સમાજમાં છેલ્લા 30 વર્ષમાં કોઈના ઘરે માણેકથંભ રોપાયા ન હતા અને ઘરે લગ્ન પણ થયા ન હતા, પરંતુ કોરોના વાયરસની મહામારીએ 30 વર્ષની પરંપરા તોડી નાખી છે. અત્યારે લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના નવ ગામોમાં ઘરે માંડવા અને માણેકથંભ રોપાયા હતા. ગત અખાત્રીજે કોરોનાની લહેરને કારણે સમૂહલગ્નો યોજાયા ન હોતા, પરંતુ આ વર્ષે મર્યાદિત સંખ્યામાં લગ્નો યોજી શકાય તેવી સરકારની રજામંદીએ ખૂબ જ સાદગીપૂર્વક લગ્નો યોજાયા હતા. જેમાં આતશબાજી, વરઘોડા, ઢોલ ને શરણાઈઓ સાથે લગ્નગીતોના સૂર પણ ક્યાંય સંભળાયા ન હતા. આ વર્ષની અખાત્રીજ રસોઈયા, ઢોલ-શરણાઈ, મંડપ, ડેકોરેશન, બ્યૂટી પાર્લર જેવા ધંધાર્થીઓ માટે ખૂબ જ કઠિન ગઈ છે. પાછલા બે વર્ષથી ઉપરોક્ત ધંધાર્થીઓની દશા બગડી ગઈ છે અને લાખોનું નુકસાન વેઠવું પડયું છે, તો કેટલાકને કોરોનાની અસરથી હોમ કવોરેન્ટાઈન પણ રહેવું પડયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer