મધ્યમવર્ગ પાયમાલ થાય તે પૂર્વે સહાય આપો

ભચાઉ, તા. 13 : કોરોનાની બીજી લહેર માનવ જીવન પર તારાજી વેરી રહી છે. કોરોનાકાળના ચક્રમાંથી બહાર નીકળી અને આંશિક પાયમાલીમાં ફસાઈ જશે ત્યારે મધ્યમવર્ગીય પરિવારો મંદીના માર-આર્થિક સંકડામણને લઈ પાયમાલ થાય તે પૂર્વે યોગ્ય સહાય-સહયોગ આપવાની માંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી નીલ વિંઝોડાએ રાજ્ય સરકાર પાસે કરી હતી. શ્રી વિંઝોડાએ જણાવ્યા મુજબ, કમાનાર સ્વજન ગુમાવનાર પરિવારની હાલત કફોડી છે. બચત મૂડી સારવારમાં ખર્ચાઈ ગઈ ખાનગી દવા-સારવારથી બધુંય ખલાસ થઈ ગયું. ગરીબ-સમૃદ્ધ વર્ગની વચ્ચે મધ્યમ વર્ગની હાલત દયનીય છે. જીવન નિર્વાહ કરવો પણ કઠિન છે. અમુક કોમ જે સમૃદ્ધ છે પણ સહયોગ આપવાના બદલે દૂરી બનાવી લે છે તેથી સરકારે સહયોગ આપવો જરૂરી છે. સરકાર તરફથી આગોતરું આયોજન ન થયું - અનેક પ્રકારના ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો થયા. બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે નક્કર આયોજન જરૂરી છે. વર્તમાન સમયે સ્થાનિક ડોક્ટરો મહામારીને અવસર-સિઝન સમજી સેવારત છે ત્યારે આ પ્રકારે જ્યાં કોરોના સંક્રમણની ભીતિ છે. અમુક દવાખાનાઓમાં સફાઈ-સેનિટાઈઝ-જૂની બેડશીટ બદલાવવી એ કામ પણ ન થતા હોવાની રાવ છે. કોરોનામાં સ્વજન ગુમાવનાર પરિજનોએ શું સારવાર કરી ? તબીબોએ કેવી સલાહ આપી તે સંબંધી તપાસ અને જરૂરી પગલાં લેવાવા જોઈએ. ભચાઉમાં વેન્ટિલેટર કામ કરતા થાય, ભલામણ વિના સારવાર થાય તેવી માંગ કરી હતી. ગરીબો હવે સીમ-ખેતરે વાડી તરફ કોરોનાથી બચવા હિજરત કરી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer