કચ્છના 2.84 લાખ કાર્ડધારકોને પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજનાનો લાભ શરૂ

ભુજ, તા. 13 : કોરોના કાળમાં ગરીબ પરિવારોને સતત બીજા વર્ષ પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણની શરૂઆત કરવામાં આવી છે ત્યારે કચ્છમાં આ યોજના હેઠળ અંત્યોદય યોજના અને એનએફએસએ યોજના હેઠળ આવતા 2.84 લાખ કાર્ડધારકોને અનાજ વિતરણ અંતર્ગત બે દિવસમાં 33,988 કાર્ડધારકોને  વિનામૂલ્યે અનાજ વિતરણ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા કચેરીએથી મળેલી સત્તાવાર વિગતો અનુસાર પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ સમગ્ર દેશમાં લગભગ 80 કરોડ કાર્ડધારક પરિવારોને મે અને જૂન માસમાં અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં બીપીએલ-અંત્યોદય ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ જિલ્લામાં  નોંધાયેલા 2,84,857 કાર્ડધારકોને  3.5 કિ.ગ્રા. ઘઉં અને 1.5 કિ.ગ્રા. ઘઉંનું વ્યકિતદીઠ વિતરણ કરવામાં આવનાર છે. 20 મે સુધી ચાલનારી આ અનાજ વિતરણની કામગીરી અંતર્ગત બે દિવસમાં કુલ કાર્ડધારકોના 11.32 ટકા એટલે કે, 33,988 કાર્ડધારકોને  વિનામૂલ્યે અનાજનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. કચ્છની 664 જેટલી સસ્તા અનાજની દુકાનમાં કોરોનાની માર્ગદર્શિકાના પાલન સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર હેઠળની આ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવા માટે 25 હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં 6960 લાખ કાર્ડધારકોમાં સમાવિષ્ટ 3.40 કરોડ લોકોને આ યોજના હેઠળ?આવરી લેવાશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer