કચ્છથી માછીમારી કરવા ગયેલી 194 બોટને પરત બોલાવાઈ

ભુજ, તા. 13 : અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું હવાનું હળવું દબાણ વધુ મજબૂત બનીને તોકતે વાવાઝોડામાં પરિવર્તિત થવાની ભીતિ વચ્ચે સતર્ક બનેલા તંત્ર દ્વારા તકેદારીના આગોતરા પગલાં ભરવાની શરૂઆત કરી દેવાઈ છે. કચ્છથી માછીમારી કરવા માટે દરિયામાં ગયેલી 194 બોટને પરત બોલાવાઈ છે, તો નવા ટોકન આપવાનું ગુરુવારથી બંધ કરી દેવાયું છે. મત્સ્યોદ્યોગ કચેરીના સુપરિન્ટેન્ડેન્ટ મહેશ દાફડાએ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય મત્સ્યોદ્યોગ કચેરીમાંથી મળેલી સૂચનાના આધારે કચ્છમાંથી ઓપરેટ થઈને માછીમારી કરવા માટે દરિયામાં ગયેલી 194 બોટને પરત બોલાવી લેવાઈ છે. મોટા ભાગની ફિશિંગ બોટ શુક્રવારે સાંજ સુધી પરત આવી જશે. જે માછીમારો દ્વારા માછલીનો જથ્થો પકડવા માટે નેટ દરિયામાં બિછાવી દીધી છે તેમને પરત ફરતાં થોડો સમય લાગશે તો તમામ માછીમારી બોટ 12 નોટિકલના અંતરમાં જ  માછીમારી કરવા માટે ગઈ હોવાના લીધે તમામનો સંપર્ક સ્થાપિત કરી લેવાયો છે. આ તરફ નવી સૂચના ન મળે ત્યાં સુધી નવા ટોકન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી 135 બોટ પરત ફરી ચૂકી છે અને 59 દરિયામાં છે. શ્રી દાફડાએ એમ પણ કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવ અને કલેક્ટરે પણ વીડિયો કોન્ફરન્સિંગ મારફત સંભવિત વાવાઝોડાથી સર્જાનારી સ્થિતિની સમીક્ષા કરીને જો માછીમાર પરિવારોને સ્થળાંતરિત કરવાના થાય તો કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ આશ્રયસ્થાનની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચાં મોજાં  ઉછળવાની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. નોંધનીય છે કે, બુધવારે કોસ્ટગાર્ડ દ્વારા પણ માછીમારોને વાવાઝોડાની ચેતવણીના પગલે કિનારા પર પરત ફરવાની માઈક દ્વારા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન 11થી 13 તારીખના ગાળામાં 522 બોટને ટોકન અપાયા હતા, તે પૈકી 313 બોટ જેમાં 1565 માછીમારો ફિશિંગ માટે ગયા હતા તે પરત આવી ચૂકી હોવાનું મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાંથી જાણવા મળ્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer