રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજનાની પરીક્ષામાં કચ્છના 190 વિદ્યાર્થીઓ સફળ

રાપર, તા. 13 :રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં કચ્છના 190 જેટલા વિદ્યાર્થીઓનો  મેરિટમાં સમાવેશ થયો છે. આ પૈકી માંડવીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ સમગ્ર કચ્છમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ સ્કોલરશિપની પરીક્ષા માર્ચ 2020માં લેવાઈ હતી. કચ્છ જિલ્લાના પરિણામમાં  કુલ 4,383 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી 190 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. માંડવીની એલ.એમ.ભીમાણી પ્રા. શાળાનો વિદ્યાર્થી મહમદ આસીમ મુસ્તાક અહમદ ખત્રી સમગ્ર કચ્છમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો છે. 190 બાળકો પૈકી માંડવી અને ભુજના સૌથી વધુ 33-33  બાળકો મેરિટમાં આવ્યા છે. લખપત તાલુકાના બાળકોએ ખાતું ખોલાવ્યું નથી. અબડાસાના 8 અને રાપર તાલુકાના 19 વિદ્યાર્થીઓ  મેરિટમાં પસંદગી પામ્યા છે. આ વખતે રાપર શહેરના પાંચ બાળકોનો મેરિટમાં સમાવેશ થયો છે.  કચ્છમાં કોરોના મહામારી વચ્ચે ઘરે બેઠા જ વિદ્યાર્થીઓએ તૈયારી કરી આ સફળતા મેળવી હતી. કચ્છના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રફુલ્લ જલુના જણાવ્યા પ્રમાણે રાજયમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધો. 12 સુધી  અભ્યાસ કરી શકે તે અને ડ્રોપ આઉટ ઘટે તે હેતુથી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એન.એમ.એમ.એસ યોજના એમ.એચ.આર.ડી દિલ્હી દ્વારા  અમલમાં મૂકવામાં આવી છે. રાજયના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બી.આર.સી, મુખ્ય શિક્ષકોના પ્રયાસો થકી પરીક્ષા યોજાય છે. મેરિટમાં આવેલા વિદ્યાર્થીને ચાર વર્ષ સુધી વર્ષના રૂ. 12 હજાર શિષ્યવૃત્તિ મળે છે જે સીધી ખાતામાં જમા થાય છે. રાષ્ટ્રીયકૃત બેન્કના ખાતામાં આધાર કાર્ડ લિન્ક હોવું જરૂરી છે. કચ્છના  શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર થયેલા 190 વિદ્યાર્થીઓના ખાતામાં ચાર વર્ષ સુધી આ રકમ જમા થશે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer