અંતે હોર્ડિંગ્સનો કોન્ટ્રાકટ રૂા.1,01,11,111 માં અપાયો

ભુજ, તા. 13 : અનેક ચડાવ અને ઉતારને અંતે ભુજ સુધરાઈ દ્વારા ત્રણ વર્ષ માટે હોર્ડિંગ્સનો કોન્ટ્રાકટ આજે રૂા. 1,01,11,111 શ્રી પબ્લિસિટીને, જ્યારે કિયોસ્ક બોર્ડનો કોન્ટ્રાકટ રાજ એડને 8,પ1,000/-માં અપાયો હતો. થોડા દિવસ પહેલાં ભુજ સુધરાઈ દ્વારા શહેરમાં લાગેલાં જાહેરાતનાં હોર્ડિંગ્સ અને કિયોસ્ક બોર્ડનાં ટેન્ડર બહાર પડાયાં હતાં. બન્નેની અપસેટ પ્રાઈઝ અનુક્રમે રૂા. 1,21,00,000 અને 1પ,00,000 રખાઈ હતી. પ્રથમ પ્રયત્નમાં કોઈએ રસ ન દાખવતાં રિટેન્ડર કરવાની ફરજ પડી હતી, જેમાં હોર્ડિંગ્સનો કોન્ટ્રાકટ મેળવવા ચાર પાર્ટી, જેમાં બિસ્ટ પબ્લિસિટી-રૂા. 37,પ1,000, રાજ એડ-7પ,00,790, શ્રી એડ મીડિયા-7પ,02,000 તેમજ શ્રી પબ્લિસિટી દ્વારા 84,70,000 ભાવ સાથે રસ દાખવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉનું ટેન્ડર 1,2પ,00,000 આસપાસ શ્રી પબ્લિસિટીને જ અપાયું હતું, પરંતુ હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાને લઈ તમામે ઓછા ભાવ ભર્યા હતા, પરંતુ નેગોસિયેશન માટે બોલાવી અનેક સમજાવટ બાદ રૂા. 1,01,11,111માં શ્રી પબ્લિસિટીને અપાયો હતો. જો કે, શ્રી પબ્લિસિટીના અગાઉના કોન્ટ્રાકટના પણ રૂા. 2પ,80,000 સુધરાઈમાં છ માસથી ભરવાના બાકી હોવા છતાં તેમને કેમ કોન્ટ્રાકટ અપાયો તે અંગે સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરને પૂછતાં તેમણે જણાવ્યું કે, ગત વર્ષની કોરોનાની પરિસ્થિતિને પગલે કોન્ટ્રાકટરે રકમ માફ કરવા સુધરાઈને અરજી કરી હતી. જે અરજી માન્ય રખાઈ નહોતી. આવી જ પરિસ્થિતિ આખાં રાજ્યની હોવાથી આ મુદ્દે એસોસિયેશને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને તે મુદ્દો હજુ પડતર છે. જો કે, કોન્ટ્રાકટર સાથે બેઠક કરી જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી દર માસે જૂનાં લેણાં પેટે રૂા. પ0,000 ભરવા નક્કી કરાયા બાદ હાલનો કોન્ટ્રાકટ અપાયો હતો. જ્યારે કિયોસ્કનો કોન્ટ્રાકટ મેળવવા ત્રણ પાર્ટીએ રસ દાખવ્યો હતો, જેમાં બિસ્ટ પબ્લિ.-રૂા. 3,00,000, શ્રી એડ મીડિયા-રૂા. 6,00,000 તેમજ રાજ એડે 6,03,000 ભાવ ભર્યા હતા. ઈચ્છુકોને નેગોસિયેશન માટે બોલાવાતાં ચર્ચાઓના અંતે કોન્ટ્રાકટ રાજ એડને રૂા. 8,પ1,000માં અપાયો હતો. તમામ પ્રક્રિયામાં ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, દંડક અનિલ છત્રાળા, મુખ્ય અધિકારી મનોજકુમાર સોલંકી તથા ટેક્સ સુપ્રિ. હિતેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer