કોરોનાના દર્દીઓની સેવા માટે ભુજની સેવાભાવી સંસ્થાનું કોવિડ મથક શરૂ

ભુજ, તા. 13 : કોરોના મહામારીના કપરા કાળની શરૂઆતના ગાળાથી જ આરોગ્ય, એમ્બ્યુલન્સ અને મૃતકોની અંતિમવિધિ સહિતની સેવાકીય કાર્યવાહીમાં પ્રવૃત્ત રહેલી અત્રેની સેવાભાવી સંસ્થા મુહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાનો વ્યાપ વધારવા સાથે નજીવા દરનું કોવિડ સેન્ટર આ શહેરમાં શરૂ કરાયું છે. ટ્રસ્ટની યાદીમાં જણાવાયા મુજબ માનવસેવાના મુખ્ય ઉદેશ્ય સાથે વર્તમાન સમયના કોરોનાનાં ભયાનક સ્વરૂપને કેન્દ્રમાં રાખીને લોકોને પૂરતી સારવાર-સેવા મળી રહે તે માટે મુહમ્મદી કોવિડ સેન્ટરનો પ્રારંભ શહેરમાં મેમણ શેઠ હાજી અબુબકર ઉસ્માન મુસાફરખાનાના સહયોગથી કરાયો છે. આ મથકની હેલ્પલાઇન માટે 98098 08108 અને 96108 88108 તથા 02832-220403 આપવામાં આવ્યા છે.  ગત તા. 1લી મેથી શરૂ કરાયેલા આ મથકમાં ડો. વિકાસ ગઢવી, ડો. હનિલા ખત્રી, ડો. રહિમ ભટ્ટી, ડો. મેહરાબ સમા તેમજ તબીબી સ્ટાફના ફહીમ કુરેશી, મહેન્દ્ર મારવાડા, સોફિયા સૈયદ, સુલ્તાન નોતિયાર, જોયબ સુમરા તથા એમ્બ્યુલન્સ સ્ટાફના સાહીલ સમા, સકીલ સમા, ઉમેશ કાપડી સેવા આપી રહ્યા છે. દર્દીઓ પાસેથી નજીવો દર લેવાશે તથા ગરીબ અને જરૂરતમંદ દર્દીઓને વિનામૂલ્યે સેવા આપવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer