બંદર પ્રશાસને કર્મચારીઓની જ ઓપીડી ઘટાડી દેતાં કામદાર સંગઠન થયું ખફા

ગાંધીધામ, તા. 13 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓ, નિવૃત્ત કામદારો માટે ગોપાલપુરીની કોવિડ હોસ્પિટલમાં દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર, તબીબો, નર્સિંગ સ્ટાફ વધારવા અને સુવિધાઓમાં વધારો કરવા માંગ કરવામાં આવી હતી. કોવિડ-19ની બીજી લહેર ઝડપથી પ્રસરી છે અને નિયંત્રણની બહાર ગઇ છે, જેના કારણે મૃત્યુદરમાં પણ વધારો થયો છે. ડીપીટીના અનેક કર્મચારીઓ, કામદારો, નિવૃત્ત કર્મીઓ કોરોના સંક્રમિત છે. જેમાં ટ્રાફિક, મરીન, સીએમઇ?વગેરે મહત્ત્વના વિભાગોના કર્મચારીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે. ડીપીટીની ગોપાલપુરી કોવિડ-19 હોસ્પિટલમાં નબળી તબીબી સુવિધાઓના પગલે મોટાભાગના કર્મચારીઓ અહીં સારવાર લેવાનું પસંદ કરતા નથી અને અન્યત્ર સારવાર લે છે.ગોપાલપુરી હોસ્પિટલમાં ખૂટતી કડીઓ અંગે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચએમએસ)એ અનેક વખત પત્રો લખી રજૂઆતો કરી છે તેમજ આ હોસ્પિટલમાં દવાઓ, ઓક્સિજન, કામગીરી, વેન્ટિલેટર, નર્સિંગ સ્ટાફ વગેરેની જરૂરિયાતો અંગે પણ આ સંગઠને હોસ્પિટલના વડા સાથે બેઠક કરી હતી. પરંતુ દુ:ખદ બાબત એ છે કે, આ અંગે હજુ સુધી કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી.બંદર આવશ્યક સેવામાં આવતું હોવાથી તેના તમામ કર્મચારીઓ કોરોના યોદ્ધા?છે. તેમ છતાં ગોપાલપુરી, આદિપુરની હોસ્પિટલોમાં અનઅધિકૃત, અન્યાયકારી અને ગેરકાયદેસર રીતે કર્મચારીઓની ઓપીડી સુવિધા ઘટાડી દેવામાં આવી છે. આ મહામારીથી બચવા કરાર આધારિત વધુ તબીબ, નર્સિંગ સ્ટાફ વોર્ડ એટેન્ડેન્ટની ભરતી કરવા આ સંગઠને ડીપીટી ચેરમેનને પત્ર પાઠવી માંગ કરી હતી.ડીપીટી અને સ્ટર્લિંગ હોસ્પિટલના કરાર કરાયેલા છે, પરંતુ હાલમાં કોરોના મહામારીમાં આ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો રહેતો હોવાથી રકત પરીક્ષણ અને અન્ય તપાસ પૂરી પાડવાની ના પાડવામાં આવી છે ત્યારે જૂની લાલ કાપલીની પ્રથા ચાલુ કરવી જેથી ડીપીટીના કર્મીઓ અન્ય જગ્યાએથી પણ પરીક્ષણ કરાવી શકે.કર્મચારીઓ માટે દવા સપ્લાય કરવાનું કામ કરતી ખાનગી પેઢી જરૂરી માત્રામાં દવા પૂરી પાડતી નથી અને રાહતદરે દવા આપવાનો ઇન્કાર કર્યો છે તથા દવાના બિલની નકલ પણ આપવામાં આવતી નથી. આ સંજોગોમાં આ લાલ કાપલીની પ્રથા ચાલુ કરી દેવાથી દર્દીઓ બહારથી પણ દવાઓ મેળવી શકે અને કર્મીઓના જીવ બચી શકે તેમ છે. આ કર્મીઓ કોરોના યોદ્ધા હોવાને કારણે વયમર્યાદા ધ્યાને લીધા વિના તમામનું રસીકરણ કરાવવા પણ માંગ કરવામાં આવી હતી. આ ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો કર્મચારીઓ?ફરજ બજાવી શકશે નહીં જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે, જેથી આ અંગે યોગ્ય પગલાં લેવા સંગઠનના અધ્યક્ષ એલ. સત્યનારાયણે માંગ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer