સમરસ કોવિડ સેન્ટર સામે ઉગ્ર ધરણા

સમરસ કોવિડ સેન્ટર સામે ઉગ્ર ધરણા
ભુજ, તા. 4 : અહીંનું સમરસ છાત્રાલય હાલ કોવિડ સેન્ટર છે, જેમાં 10 જેટલા વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા હોવા છતાં દર્દીઓને આપવામાં આવતા નથી તેમજ અન્ય મુદ્દાના વિરોધમાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે સમરસ સામે ઉગ્ર રજૂઆત સાથે ધરણા કર્યા હતા. પોલીસે અટકાયત કરતાં ગરમા-ગરમીનાં દ્રશ્યો ખડાં થયાં હતાં. હાલ કચ્છમાં કોરોના મહામારીમાં મોતનું તાંડવ ચાલી રહ્યું છે પણ સમરસમાં 10 જેટલા વેન્ટિલેટર પડયા હોવા છતાં આપવામાં આવી રહ્યા નથી એના લીધે દર્દીનું મૃત્યુ થાય છે અને બાયપેપ પણ કહેવા પૂરતા છે એમાં પણ ઓકિસજનનો ફલો આપવામાં આવતો નથી. સાથે મુખ્યમંત્રીએ ર000 બેડની જાહેરાત કરી હતી એ પણ પોકળ સાબિત થઈ છે. ર000 જેટલા મૃત્યુ થઈ ગયાં પણ બેડની સુવિધા કરવામાં આવી નથી. આ મુદ્દાઓ માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી નરેશ મહેશ્વરી અને જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી દ્વારા ઉગ્ર રજૂઆત કરી અને કહેવામાં આવ્યું હતું કે, સમરસના અમુક લેભાગુ તત્ત્વો વેન્ટિલેટરના નામે લૂંટ ચલાવી રહ્યા છે. દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે તો અમુક જ હોસ્પિટલમાં શિફટ કરવાનું કહેવામાં આવે છે, જેમાં સ્પષ્ટ એની ભાગીદારી હોય એવું લાગી રહ્યાના આક્ષેપ સાથે રેમડેસીવીરમાં પણ 4 ઈન્જેકશનમાંથી પ બનાવીને વેપલો થઈ રહ્યો છે, સાથે સેટિંગબાજોને બેડ મળે છે અને પ્રજા એમને એમ મરે છે જેવી રજૂઆત સાથે ધોમધખતા તાપમાં બે કલાક જેટલો સમય બેસવા છતાં પણ વહીવટ તંત્ર કે પ્રશાસનના પેટનું પાણી હલ્યું નહીં અને આખરે પોલીસને સામે કરવામાં આવી અને ત્યાંથી નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, રમજાન સમા, હુસેન થેબા, શિવજી ધેડા, મણિલાલ વાઘેલા, શ્યામ મતિયા, મનોજ દનીચા, રમેશ ધુવાની અટકાયત કરવામાં આવી અને બી-ડિવિઝન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લાની ટીમ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી કે આવતીકાલે જી.કે. જનરલ હોસ્પિટલની સામે જ્યાં સુધી આ મુદ્દાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ધરણા કરવામાં આવશે અને સાથે ભુજના કોઈપણ વિસ્તારમાં મુખ્યમંત્રીના પૂતળાનું પણ દહન કરવામાં આવશે તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની યાદીમાં જણાવાયું છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer