માંડવી તાલુકામાં કોરોનાના વધતા પથારાને લઇને સર્જાયો પથારીનો જબ્બર પડકાર

માંડવી તાલુકામાં કોરોનાના વધતા પથારાને લઇને સર્જાયો પથારીનો જબ્બર પડકાર
માંડવી, તા. 4 : (દેવેન્દ્ર વ્યાસ દ્વારા) : કોરોનાની બીજી લહેરે જિલ્લાના મોટા શહેરોની સરખામણીએ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની માન્યતાવાળા આ શહેરે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પથારો ફેલાવતાં સરકારી-ખાનગી હોસ્પિટલોમાં પથારીઓનો પડકાર ખડો થયો હોવાનું જાણવા મળ્યું છે. વિતેલા માસ દરમ્યાન મસ્કાના સ્મશાનગૃહે સરેરાશ એક લાશની અંતિમવિધિ સંપન્ન કરાઇ હોવાની જાણકારી મસ્કાના સરપંચ અને તાલુકા યુવા ભાજપના પ્રમુખ કીર્તિ ગોરે આપી હતી. શહેરની હોસ્પિટલોમાં આખરી શ્વાસ લેનારા હતભાગીઓની `ડેડબોડી' સુરક્ષિત કવચ વિના ચાદરમાં વીંટાળેલી પાદરના મસ્કા કેવા કારણોસર મોકલાય છે. એવો સવાલ તંત્ર સામે કરાયો હોવાની વિગતો મળી હતી. મસ્કા-માંડવી વચ્ચે આવેલી એંકરવાલા જનરલ હોસ્પિટલમાં સો પથારીઓ ઓછી પડતાં દોઢસોની  ક્ષમતા અનિવાર્ય  બની છે. આ ઉપરાંત અહીંની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં વીસ અને શહેરની ત્રણેક ખાનગી હોસ્પિટલોમાં કોરોના પેશન્ટને સારવાર અપાઇ રહી છે. એપ્રિલ માસ દરમ્યાન કોરોનાનો ફૂંફાડો થરથરાવી દે એવો બિહામણો નીવડયો છે. કેટલાક કિસ્સાઓમાં કોરોના કારણભૂત હોવા છતાં અન્ય બિમારીના મોત માટે ચોપડે ચડાવાઇ હોવાની ચર્ચાઓ સંભળાઇ છે. શહેરમાં 42 કરતાં વધુ મૃત્યુ પાલિકાના દફતરે નોંધાયા હતાં.મસ્કામાં સરપંચ કીર્તિ ગોર અને તેમના સહયોગીઓએ એક જ માસ દરમ્યાન ત્રીસેક (સરેરાશ પ્રતિદિન એક)નો અંતિમ સંસ્કાર કરાયો હોવાની વિગતો આપી હતી. વીતેલા સપ્તાહ દરમ્યાન બે-ત્રણ દિવસોમાં સાતેક હતભાગીઓનો અંતિમ સંસ્કાર કરાયો હતો. લાકડાં ખૂટી પડવાથી પિયાવા પંથકમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના યુવા સેવકો વહારે આવ્યા અને ડઝનબંધ ટ્રેકટરો ભરીને લાકડાં મસ્કાના સ્મશાનગૃહે પહોંચતાં કરાયાં હતાં. ત્રણ-ચાર કિસ્સામાં શહેરના નિવાસી અને હોસ્પિટલોમાં દમ છોડી દીધેલાઓને અકળ કારણોસર પાલિકાની શબવાહિની મારફતે દરિયા કિનારે આવેલા મુક્તિધામને બદલે મસ્કાના સ્મશાને મોકલાવાતાં સરપંચે સાંસદ, ધારાસભ્ય સુધી વ્યથા પહોંચાડવા મજબુર થવું પડયું હતું. સ્થાનિક તંત્ર શા માટે પાછા પગ માંડી રહ્યું છે તેવો પ્રશ્ન કરાયો હતો. વધુમાં હોસ્પિટલો મૃતદેહો નિર્ધારિત કીટમાં લપેટયા વિના ચાદરમાં મસ્કા મોકલાતાં આરોગ્ય સુરક્ષા સામે ચિંતાજનક પડકાર ખડો થયો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer