ભચાઉના નાની ચીરઈ પાસે બે યુવાનને બેહોશ કરી 84 હજારની મતાની ચોરી

ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના નાની ચીરઈ નજીક સર્વિસરોડ ઉપર ટ્રકમાં સૂતેલા બે યુવાનો ઉપર સ્પ્રે છાંટી તેમને બેહોશ કરી નિશાચરો વાહનમાંથી ચોખા, ડીઝલ, રોકડ રૂપિયા મળીને કુલ રૂા. 83,91રની મતાની ચોરી કરી નાસી ગયા હતા. મીઠીરોહર નજીક નીલકંઠ બિલ્ડિંગમાં આવેલ ન્યૂ પી.જી.આર.સી.ના ટ્રાન્સપોર્ટમાં કામ કરતા ચાલક નિશાંતસિંઘ પ્રીતમસિંઘ જાટ અને કલીનર અજયકુમાર રમાકાંત પંડિત પંજાબના તરનતારન શહેરથી ગત તા. 30/4ના નીકળ્યા હતા. આ બંને યુવાનોએ ટ્રક નંબર પી.બી.-0પ એ.બી.- 0797માં 40 કિલોની એક એવી 7પ0 બોરી ચોખા ભરી મુંદરા આવી રહ્યા હતા. દરમ્યાન ગત મોડીરાત્રે નાની ચીરઈ નજીક પહોંચતાં તેમનું વાહન ખરાબ થતાં આ બંનેએ વાહનને સર્વિસરોડ પાસે પાર્ક કરી તેમાં સૂઈ ગયા હતા. દરમ્યાન મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સ આ વાહનમાં ચડી કોઈ સ્પ્રે છાંટી બંનેને બેહોશ કરી નાખ્યા હતા. બાદમાં આ નિશાચરોએ ટ્રકમાંથી પ0 બોરી ચોખા, તથા રપ0 લિટર ડીઝલ અને કલીનરના રોકડા રૂપિયા 3000 એમ કુલ રૂા. 83,91રની મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ માર્ગ ઉપર અગાઉ પણ અનેક વખત ચોરી, લૂંટના બનાવો બન્યા છે, જે પૈકી અમુક પોલીસના ચોપડે ચડયા છે તો અમુક હજુ ચડયા નથી અને જે નોંધાયા છે તે પૈકી અમુક હજુ વણશોધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer