કોરોનાના કેર સામે આઈપીએલ ક્લીનબોલ્ડ

નવી દિલ્હી, તા. 4 : દુનિયાની સૌથી મોંઘી અને લોકપ્રિય ટી-20 લીગ આઇપીએલની 2021ની સિઝન કોરોના મહામારીને ઝપટે આખરે ચડી ગઇ છે. પાછલા એક મહિનાથી સુરક્ષિત બાયોબબલમાં રમાતી આ ટી-20 લીગમાં  અચાનક જ કોરોનાના અનેક મામલા સામે આવતાં આઇપીએલને અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.આઇપીએલની 2021ની સિઝનની બાકીની મેચ કયાં અને કયારે રમાશે તે બાદમાં જાહેર થશે. આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે અમારા માટે ખેલાડીઓ અને લોકોની સુરક્ષા સર્વોપરી છે. આથી અને આઇપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે વર્ષના આખરમાં ભારતમાં નિર્ધારિત ટી-ટ્વેન્ટી  વિશ્વકપ જોખમમાં આવી પડયો છે અને તેને દુબઈ ખસેડી જવાનો નિર્ણય એકાદ માસમાં લેવાશે. બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, બીસીસીઆઈ હવે સપ્ટેમ્બરમાં સમીક્ષા કરીને નક્કી કરશે કે આઈપીએલની બાકીની મેચ કયાં અને કેવી રીતે રમાડવામાં આવશે.પહેલા કોલકતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદિપ વોરિયર ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ પછી આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને દિલ્હી  કેપિટલ્સનો સ્પિનર અમિત મિશ્રાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આથી બીસીસીઆઇએ આખરે આઇપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશી ક્રિકેટરો વધુ રમવા માટે તૈયાર નહોતા. બીસીસીઆઇને ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ જણાવ્યું કે આ વર્ષે આઇપીએલના આયોજન માટે અમે ઉપર્યુકત સમય અને સ્થળ વિશે ટૂંકમાં યોજના બનાવશું. કદાચ સપ્ટેમ્બરમાં આઇપીએલની બાકીની સિઝનની પુન: શરૂઆત થઇ શકે છે. જો કે હાલ આ ફકત સંભાવના છે. આજની સ્થિતિ એ છે કે ટૂર્નામેન્ટનું આયોજન અમે અનિશ્ચિત સમય સુધી અટકાવી દીધું છે. આઇપીએલને સસ્પેન્ડ કરાતાં પહેલી બે મેચ રદ કરવામાં આવ્યા હતા. બાદમાં એકથી વધુ મામલા સામે આવતા આખરે બીસીસીઆઇએ આઇપીએલની 14મી સિઝનને અધવચ્ચેથી અટકાવી દેવાનો આજે નિર્ણય લીધો હતો. મુશ્કેલ સમયમાં અમે લોકોના ચહેરા પર થોડી સકારાત્મક અને ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે જરૂરી છે કે ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer